સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ધર્મ રો હાઉસ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગીર યુવક પુરપાટ ઝડપે બાઈક હંકારી આવ્યો હતો. આ દરમિયાન અન્ય બાઈક સાથે અકસ્માત થતાં તેની બાઈક ધડાકાભેર ત્યાં પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. જો કે આ સમગ્ર બનાવમાં સગીરનો બચાવ થયો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ જવા પામી છે.
સગીર બાઈક સાથે કારને અથડાયો
સુરતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ખાસ કરીને યુવાનો પુરપાટ ઝડપે બાઈક હંકારતા હોય છે. બાદમાં અકસ્માતનો ભોગ બને છે. આવી જ એક ઘટના સુરતના ઉમરા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. ઉમરા ધર્મ રો હાઉસ પાસે રહેતા સંતોષભાઈ જોશીએ પોતાની કાર સોસાયટીના ગેટ પાસે પાર્ક કરી હતી. આ દરમિયાન ત્યાં એક બાઈક ચાલક પુરપાટ ઝડપે બાઈક હંકારી આવ્યો હતો. અન્ય બાઈક ચાલક પણ ત્યાંથી પસાર થયો હતો. જેમાં સગીરની બાઈક સીધી કાર સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે આ અકસ્માતમાં સગીરનો બચાવ થયો હતો. બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.
પૂરપાટ ઝડપે જતા કાબુ ગુમાવ્યો
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, સગીર વિદ્યાર્થી પુરપાટ ઝડપે બાઈક હંકારીને આવ્યો હતો. તે દરમિયાન અન્ય એક બાઈક ચાલક ત્યાથી બાઈક હંકારવા જતો હતો દરમિયાન સગીરે કાબુ ગુમાવ્યું હતું. બાઈક કાર સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ત્યાં હાજર લોકો દોડી આવે છે. બાદમાં યુવક સલામત હોવાથી ત્યાંથી નીકળી જાય છે.
કાર માલિકે ગુનો નોંધાવ્યો
આ સમગ્ર ઘટના અંગે કાર માલિકને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાઈક ચાલકનું નામ પૂછતા એક 16 વર્ષીય સગીર યુવક હોવાનું અને તે અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જયારે અન્ય બાઈક ચાલકનું નામ વિપુલભાઈ મહસારીયા હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં તેઓની કારને 54 હજારનું નુકસાન થવા પામ્યું હતું. આ સમગ્ર મામલે કાર માલિકે બંને બાઈક ચાલક વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.