બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડથી ગુજરાત હચમચી ઉઠ્યું છે તો બીજી તરફ સુરતમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી. કોઝવેના કિનારેથી ત્રણ દેશી દારૂની ભઠ્ઠી મળી આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. અહીંથી દેશી દારૂ બનાવવાનો મુદામાલ મળી આવ્યો હતો. પરંતુ કોઈ આરોપી ઝડપાયો ન હતો. અહીં ઝુપડા જેવું બનાવી દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો અને બિન્દાસપણે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હતી. જેથી પોલીસે પહોંચી તમામ વસ્તુઓ જપ્ત કરવાની કામગીરી કરી હતી.
બોટાદની ઘટના બાદ પોલીસ એક્શનમાં
સુરત પોલીસ દ્વારા સુરતના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. તેમજ દેશી દારૂની ભઠ્ઠીઓ જ્યાં પણ ધમધમી રહી છે ત્યાં દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ પ્રકારની ઘટના બને છે અને લોકોના જીવ જાય છે ત્યારે જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે. સુરતમાં ભૂતકાળમાં અનેક વખત દારૂના વેચાણના વીડિયો વાઇરલ થયા છે. તેમજ આજની તારીખે પણ કેટલાક વિસ્તારોમાં બિન્દાસપણે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.
એક જ દિવસમાં 12થી વધુ કેસ કરાયા
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડની ઘટનાથી હાલમાં સુરતમાં દારૂના અડ્ડાઓ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. જોકે, ડીસીબી દ્વારા સુરતમાં 12થી વધુ કેસો કરવામાં આવ્યા છે. આ સાથે જ 4.30 લાખનો દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે.
લઠ્ઠા કાંડ મુદ્દે કોંગ્રેસે આવેદન પત્ર આપ્યુ
બોટાદ જિલ્લાના બરવાળાના રોજીદ ગામે સર્જાયેલી લઠ્ઠા કાંડની આગ સુરત પહોંચી હતી. સુરત કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સાથે જ સુરતમાં ચાલતા દારૂના ધંધાઓને લઈને તેના પર અંકુશ સાધવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ સરકાર સામે નારાબાજી કરતા ગૃહરાજ્યમંત્રીનું રાજીનામું માગ્યું હતું. સાથે જણાવ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી હોય તે રીતે માત્ર બોટાદ જ નહી પરંતુ રાજ્યભરમાં બે રોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું છે.જેથી ગૃહ રાજ્ય મંત્રી અને મુખ્યમંત્રીએ રાજીનામા આપવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.