હવામાન:દરિયાઇ પવનોની ઝડપ ઘટી જતા પારો 1 ડિગ્રી વધી 35 ડિગ્રીને પાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું
  • પવનની ગતિ 2 દિવસમાં 17 કિ.મીથી ઘટી 10 કિ.મી થઇ

દરિયાઇ પવનો થોડા નબળા પડતા ગરમીનું જોર વધ્યું છે. જેના પગલે શહેરના મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થઇ પારો 35 ડિગ્રીને પાર થયો છે. પારો ઉપર જવાના કારણે બપોરે ગરમીનું પ્રમાણ વધ્યું હતું. બીજી તરફ શહેરમાં દિવસભર આંશિક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. મંગળવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં 0.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. બુધવારે શહેરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 72 ટકા અને સાંજે 61 ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 10 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઇ રહ્યા છે.

છેલ્લા બે દિવસથી પવનની ઝડપમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે પવનની ઝડપ 17 કિલોમીટર નોંધાઇ હતી જ્યારે મંગળવારે 13 કિલોમીટર પવનની ઝડપ રહી હતી અને બુધવારે ઝડપ માં ઘટાડો નોંધાયો હતો. સોમવાર અને મંગળવારની સરખામણીએ પવનની ઝડપ ઘટતા 10 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાયા હતા. નોંધનીય છે કે, હવે ઉનાળાની સિઝન વિદાય તરફ છે. મેના અંત સુધીમાં હિટવેવની કોઇ શક્યતા નથી. આ ગરમીની સિઝનમાં મહત્તમ 42 ડિગ્રી સુધી ગરમી પડી હતી. હવે ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જવાની સંભાવના નહિંવત છે.

અન્ય સમાચારો પણ છે...