સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં જેલવાસ ભોગવી રહેલાં આરોપીની જામીન અરજી નામંજૂર થયા બાદ પીડિતાના ગર્ભમાં રહેલા બાળકના બાયોલોજિકલ પિતાની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં આરોપી બાયોલોજિકલ પિતા ન હોવાનું સપાટી પર આવતા કોર્ટે આરોપીને જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં તપાસમાં બહાર આવ્યુ હતુ કે સગીરાના ગર્ભમાં રહેલા બાળકનો બાયોલોજિકલ પિતા તેનો માસિયાઇ ભાઇ જ છે. સગીરાએ પોતાના નિવેદનમાં પણ આ વાત કબૂલ કરી હતી.
કેસની વિગત મુજબ સગીરા પર બળાત્કારના ગુનામાં આરોપી ગુલામ તાહા કલાઇવાલાની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આરોપી ગુલામ તાહાએ જામીન અરજી કરી હતી જે નામંજૂર કરવામાં આવી હતી. આ દરમિયાન ડીએનએ ટેસ્ટ કરાયો હતો જે આરોપી સાથે મેચ કરતો નહતો. આથી પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં અને પીડિતાને પૂછતા તેણે માસીયાઇ ભાઇ ધર્મેશનું નામ લીધુ હતુ. આથી આરોપી તાહા તરફે એડવોકેટ કેતન રેશમવાલા મારફત જામીન અરજી રજૂ કરવામાં આવી હતી જે કોર્ટે મંજૂર કરી હતી.
આરોપી સામેનો કેસ ખામીયુક્ત: કોર્ટ
કોર્ટે ચુકાદામાં નોંધ્યુ હતુ કે આરોપી વિરુધ્ધનો કેસ મૂળભૂત રીતે શંકાસ્પદ અને ખામીયુક્ત હોવાનું જણાય છે, તેથી કેસની હકીકત અને સંજોગોમાં ઘરમૂળથી ફેરફાર થયેલ હોવા અંગેની દલીલમાં તથ્ય હોવાનું માની શકાય તેમ છે.
ફરિયાદીને તોડવાનો પ્રયત્ન: સરકાર પક્ષ
સરકાર પક્ષે આરોપી તાહાની જામીન અરજી સામે દલીલ કરાઇ હતી કે શરીર સંબંધ બાંધવાથી પીડિતાને 6 માસ સુધીનો ગર્ભ રહ્યો હતો. આરોપી દ્વારા ભોગ બનનાર અને ફરિયાદીને તોડવા-ફોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જે દર્શાવે છે કે આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે છે.
DNAમેચ નથી એટલે સંબંધ બંધાયા એવુ ન કહી શકાય
પીડિતાની ફરિયાદ બાદ હાલની જામીન અરજી કરનારા આરોપી સામે ગુનો નોંધાયો હતો. જો કે, ડીએનએ મેચ ન થતાં પીડિતાની જુબાની બાદ જ આરોપી માસીઆઇ ભાઇનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે ટેસ્ટ મચ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અમારી ડીએનએ ટેસ્ટ મેચ થતો નથી એટલે આરોપી અને ભોગ બનનાર વચ્ચે શારિરીક સંબંધ બંધાયા હોય એવુ કહી શકાય નહીં.’ - કેતન રેશમવાલા, બચાવ પક્ષના વકીલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.