સુરત જિલ્લા કોર્ટમાં આજે અજીબ ઘટના બની હતી. જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનનો ચોરીનો એક આરોપી 5 દિવસના રિમાન્ડ મંજૂર થતા જ ચક્કર આવી જમીન પર પડી ગયો હતો. જેથી જજ સાહેબે તાત્કાલિક આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યારબાદ આરોપીને 108 મારફતે સિવિલ લઈ જવામાં આવ્યો હતો.
5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપીને ચક્કર આવી ગયા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંજાહિદ મહમદ અહેમદ અન્સારી (ઉ.વ. 19 રહે. લિંબાયત મીઠીખાડી)ને ચોરીના કેસમાં 8 દિવસ પહેલા લિંબાયત પોલીસે પકડ્યો હતો. આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા બાદ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપીને ચક્કર આવી ગયા હતા. જેથી એને તાત્કાલિક સારવાર માટે 108માં સિવિલ લઈ ગયા હતા.
આરોપીને બીજા આરોપીઓ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો
મુઝમીલ અન્સારી (આરોપીનો ભાઈ) એ જણાવ્યું હતું કે ત્રણ ભાઈઓમાં મુંજાહિદ નાનો ભાઈ છે. માતા-પિતા અને એક બહેન સાથે આખું પરિવાર રહે છે. લીંબાયત પોલીસે ચોરીના કેસમાં 8 દિવસ પહેલા મુંજાહિદને પકડ્યો હતો. ત્યારબાદ આજે એને કોર્ટમાં રિમાન્ડ માટે બીજા આરોપીઓ સાથે રજૂ કર્યો હતો. કોર્ટ દ્વારા તમામને 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા. એ સાંભળી મુંજાહિદ જમીન ઉપર પડી ગયો હતો. એટલે જજે તત્કાલિક આરોપીને સારવાર માટે સિવિલ મોકલ્યો છે.
હાલ આરોપીના પલ્સ અને બીપી નોર્મલ
આરતી પરમાર (મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે કોર્ટમાંથી લવાયેલા આરોપી મુંજાહિદના પલ્સ અને બીપી હાલ તો નોર્મલ બતાવે છે. હોય શકે ખાલી પેટે પણ આવું ચક્કર આવીને પડી જવાનું થાય. જોકે નિષ્ણાત ડોક્ટરનો અભિપ્રાય માટે મેડિસીનમાં રીફર કર્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.