• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • As Soon As The Tickets Were Received, The Workers Along With The Candidates Performed A Show Of Strength In Filling The Forms Like A Victory Procession

સુરત સત્તાનો સંગ્રામ LIVE:વિજયી સરઘસની જેમ ફોર્મ ભરવામાં શક્તિ પ્રદર્શન કરાયા, વાજતે ગાજતે સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા

સુરત22 દિવસ પહેલા
પૂર્ણેશ મોદી ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતાં.

પ્રથમ તબક્કાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. સાથે જ ફોર્મ ભરવાની તારીખો પૂર્ણ થવાને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે આજથી ફોર્મ ભરવામાં તેજી આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. ભાજપ-કોંગ્રેસ સહિતના આપના ઉમેદવારો અને અપક્ષો પણ આજે મોટી સંખ્યામાં ફોર્મ ભરે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરવા પહોંચી રહ્યાં છે.

શું છે 12: 39નું વિજય મુહૂર્ત?
ભારતીય જનતા પાર્ટી હિંદુત્વવાદી વિચારધારા ઉપર ચાલનારી પાર્ટી છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કોઈપણ સારું કામ કરવા માટે એક ચોક્કસ પ્રકારનું મુહૂર્ત જોવામાં આવતું હોય છે. 12:39 પાછળની કંઈક વાત એવી ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીજી દ્વારા એકવાર આ બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા અલગ અલગ રોજના કાર્યક્રમ હોય છે. એવા સમયે સારા મુહૂર્તમાં જો કામની શરૂઆત કરવામાં આવે તો કયો સમય રાખવો એ પાર્ટી માટે પણ થોડું કપરૂ હતું. એવા સંજોગોમાં મુરલી મનોહર પોતે પણ સંસ્કૃતના ખૂબ મોટા વિદ્વાન માનવામાં આવે છે. મુરલી મનોહર જોશી દ્વારા અન્ય જ્યોતિષીઓ અને વિદ્વાનો સાથે પરામર્શ કર્યા બાદ દિવસમાં સૌથી અનુકૂળ સમય કયો હોય છે. તે નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 12:39નો સમય સૌથી ઉત્તમ હોવાનું માનવામાં આવ્યું હતું. ત્યારથી પરંપર શરૂ થઈ હતી કે, ભારતીય જનતા પાર્ટી કોઈપણ સારું કામ કરે તો મહદંશે 12:39ના સમયે જ કામની શરૂઆત કરે છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરવા માટે 12:39નો સમય પસંદ કરવામાં આવે છે.

ભાજપનો ઉમેદવારો મંદિરોમાં દેખાયા
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાની હિંદુત્વની છબીને વધુ મજબૂત કરવા માટે અને ચૂંટણીના પરિણામો તેમની તરફેણમાં આવે તેના માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનુ મોરડીયા અને પ્રફુલ પાનસરિયા મંદિરોમાં જઈને નતમસ્તક થતા દેખાયા હતા. ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે. તેને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરતી રહે છે. સમયાંતરે હિંદુત્વનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારમાં સૌથી મોખરાનો રહે છે.

ભારત માતાકી જયના નારા લાગ્યા
ઉમેદવારી પત્ર ભરવા પહેલા મંદિરોમાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. સમર્થકોએ પણ ઉમેદવારોનો ઉત્સવ વધારતા ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. સમર્થકો પણ ખૂબ મોટી સંખ્યામાં મંદિર પટાંગણમાં એકત્રિત થયેલા દેખાયા હતા. ઉમેદવારોએ પણ ભગવાનને શ્રીફળ ચડાવીને અને રાજ તિલક કરતા હોય તે રીતે તિલક કરી ઉમેદવારી પત્ર ભરવા આગળ વધ્યા હતા.

ગોપાલ ઈટાલિયા રાઘવ ચઢ્ઢા સાથે નીકળ્યા હતાં.
ગોપાલ ઈટાલિયા રાઘવ ચઢ્ઢા સાથે નીકળ્યા હતાં.

ઈટાલિયા રોડ શો સાથે ફોર્મ ભરવા નીકળ્યા
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે આજે તેઓ ફોર્મ ભરવા નીકળ્યાં હતાં. ગોપાલ સાથે યુવા નેતા તેમજ રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢાએ રોડ-શો યોજી ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યાં હતાં. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને ગોપાલ ઈટાળીયા ભગવાનના આશિર્વાદ મેળવી 'પરિવર્તન રેલી' સ્વરુપે ઉમેદવારી પત્ર ભરવા ગયાં હતાં. આ રેલી અક્ષરવાડી, કેન્સર હોસ્પિટલની પાછળ, ડભોલી, કતારગામથી નીકળી હતી.

પૂર્ણેશ મોદી ફોર્મ ભરવા નીકળ્યા
સુરતની પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવા મેદાને ઉતરેલા પૂર્ણેશ મોદીએ આજથી પ્રચારના શ્રીગણેશ કરવાના શરૂ કર્યા છે. પૂર્ણેશ મોદીએ આજે ભાજપના પદાધિકારીઓ અને પાલિકાના નેતાઓ સાથે ઉમેદવારી કરવા નીકળ્યા હતાં. એ દરમિયાન સૌ પ્રથમ અંબિકાનિકેતન ખાતે માતાજીના દર્શન કર્યા હતાં. બાદમાં કાર્યકરોની શુભેચ્છા લેતા લેતા તેઓ ફોર્મ ભરવા માટે નીકળ્યાં હતાં.

વિનુ મોરડિયા ઘોડા પર નીકળ્યા
કતારગામ બેઠક પરના સિટીંગ ધારાસભ્ય અને રાજ્યમાં મંત્રી રહેલા વિનુ મોરડિયાને ભાજપે ફરી ટિકિટ આપી છે. જેથી કતારગામ ખાતેના પોતાના નિવાસ સ્થાનેથી વિનુ મોરડિયા કુમકુમ તિલક કરાવીને નીકળ્યાં હતાં.ઘરમાં જ ભગવાનના આશિર્વાદ લઈને નીકળેલા વિનુભાઈ મોરડિયા ઘોડા પર બેસીને ફોર્મ ભરવા નીકળ્યાં હતાં.

ફોર્મ ભરવામાં શક્તિ પ્રદર્શન
ફોર્મ ભરવા નીકળેલા તમામ રાજકીય પક્ષના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરતાં હોય તે રીતે નીકળી રહ્યાં છે. મત્તદારોને આકર્ષવા માટે તથા પોતે જ ચૂંટણી જીતવાના છે તે પ્રકારનો માહોલ ઉભો કરતાં ઉમેદવારો કાર્યકરોની વિશાળ ફોજ લઈને નીકળી રહ્યાં છે. તથા પોતાના સમર્થનમાં ઉમેદવારો નારેબાજી પણ કરાવતા નજરે પડી રહ્યાં છે.

સુરત શહેર જિલ્લામાં 447 શતાયુ મતદાતા
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મતદાન વધારે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ ૪૪૭ જેટલા શતાયુ વટાવી ચૂકેલા મતદારો છે. આ મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ સુવિધા ઉભી કરી છે. આવા મતદારો જો ઇચ્છે તો તેમના નિવાસસ્થાન જઇને પણ મત લેવામાં આવશે. વિધાનસભા પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૫૦ શતાયુ વટાવી ચુકેલા મતદારો છે. જ્યારે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં ૪૮, માંડવી વિધાનસભા વિસ્તારમાં ૫૩, માંગરોલ વિધાનસભા વિસ્તારમાં ૩૫ અને ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં ૩૦ જેટલા શતાયુ મતદારો નોંધાયેલા છે.

મતદાન માટે ધર્મગુરૂઓની અપીલ
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે મતદાન વધારે થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ ૪૪૭ જેટલા શતાયુ વટાવી ચૂકેલા મતદારો છે. આ મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ સુવિધા ઉભી કરી છે. આવા મતદારો જો ઇચ્છે તો તેમના નિવાસસ્થાન જઇને પણ મત લેવામાં આવશે. વિધાનસભા પ્રમાણે વાત કરીએ તો પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ ૫૦ શતાયુ વટાવી ચુકેલા મતદારો છે. જ્યારે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં ૪૮, માંડવી વિધાનસભા વિસ્તારમાં ૫૩, માંગરોલ વિધાનસભા વિસ્તારમાં ૩૫ અને ઓલપાડ વિધાનસભા વિસ્તારમાં ૩૦ જેટલા શતાયુ મતદારો નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...