રૂપાણી V/S પાટીલ:સુરતમાં C.R. પાટીલે મફત ઇન્જેક્શન આપવાનું શરૂ કરતાં જ રૂપાણીએ તાત્કાલિક 10,000 રેમડેસિવિર ફાળવી દીધા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનામાંથી બહાર આવી મેયરે પહેલું ‘ફોટોશુટ’ કરાવ્યું - Divya Bhaskar
કોરોનામાંથી બહાર આવી મેયરે પહેલું ‘ફોટોશુટ’ કરાવ્યું
  • સવારે મફત ઇન્જેક્શન વિતરણ શરૂ થતાના એક કલાકમાં જ રૂપાણીએ કહ્યું કિરણ હોસ્પિટલમાં સરકારે 10 હજાર ઇન્જેક્શન ફાળવી દીધા છે
  • રોજના 4 હજાર દર્દીઓને ઇન્જેક્શનની જરૂર પડે છે, પાટીલે 900ને મફત આપ્યા

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પાંચ હજાર રેમડેસીવીર ઈન્જેકશન ફ્રીમાં આપવાની જાહેરાત પછી શનિવારે વહેલી સવારથી ઉધના ભાજપ કાર્યાલયે લોકોની લાંબી લાઈનો લાગી હતી. પ્રથમ દિવસે 900 લોકોને ઇન્જેક્શન મફત આપવામાં આવ્યા હતા. ઇન્જેક્શન વિતરણ શરૂ કર્યાના એક જ કલાકમાં મુખ્યમંત્રી રૂપાણીએ 10 હજાર ઇન્જેક્શન કિરણ હોસ્પિટલને ફાળવી દીધા હોવાની જાહેરાત કરી હતી. જોકે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રોજના 4000 દર્દીને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર હોવાનું અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

સીઆર પાટીલ મેદાને ઉતર્યા
ઇન્જેક્શનના મુદ્દે રાજકીય વિવાદ પણ છેડાયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે અંદરખાને ચાલી રહેલો વિવાદ પણ ખુલ્લો પડી ગયો હતો. રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, સીઆર રેમડીસીવીરનો જથ્થો કયાંથી લાવ્યા તે અંગે તેમને જ પૂછો? પરંતુ સુરત જે રીતે કોરોનામાં સપડાયું છે ત્યારથી સી.આર.પાટીલ અપસેટ હતા. જે પ્રયાસો સરકારે કરવા જોઈએ તે નહીં કરતા સી.આર.પાટીલે જાતે મેદાનમાં ઉતર્યા છે અને સરકારી મશીનરીના ઉપયોગ વિના આપમેળે સ્થિતિને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યાં છે.

રવિવારે સવારે 9 વાગ્યાથી ઇન્જેક્શન મળશે
શુક્રવારે સાંજે સુરત કલેકટર ડો.ધવલ પટેલે પણ જાહેરાત કરી હતી કે, હવે ખાનગી હોસ્પિટલોને રેમડેસિવીર ઈન્જેકશન મળશે નહીં. રિઝર્વ જથ્થો નહીં હોવાથી આ જાહેરાત કરવામાં આવી હતી. તેના 24 કલાક પહેલા જ કલેકટરે સિવીલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાંથી ઈન્જેકશન લેવાના રહેશે તેવી જાહેરાત કરી હતી. રવિવારે પણ સવારે 9 વાગ્યાથી ઇન્જેક્શન મફત અપાશે.

સરકારે કલેક્ટરને 2500 ઇન્જેક્શન ફાળવ્યા
રાજ્ય સરકાર દ્વારા કિરણ હોસ્પિટલને 10 હજાર રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. આ ઇન્જેક્શન સુરત માટે ખાસ આસામના ગુવાહાટીથી એરલીફ્ટ કરીને સુરત ખાતે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારે જિલ્લા કલેક્ટરને પણ 2500 ઇન્જેક્શનનો જથ્થો સપ્લાય કર્યો હોવાની જાહેરાત કરી હતી. આમ શનિવારે સુરત શહેરમાં કુલ 12500 જેટલા ઇન્જેક્શન સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા. છતાં લોકોની લાંબી-લાંબી લાઇનો ઠેર-ઠેર જોવા મળી હતી.

સરકાર નહીં, કંપની પાસેથી લીધા છે
કોરોનાની ઉદ્ધભવેલી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવા માટે નિર્દોશ ભાવથી ઇન્જેકશનો અપાયા છે. એમાં કોઇ બીજો ઇરાદો નથી. તમામ માટે મફતમાં ઇન્જેકશનની ફાળવણી કરવામાં આવી છે. નવસારી માટે 100 અને સુરત શહેર માટે 900 ઇન્જેકશનો વિતરણ કરાયા છે. જેમ સ્ટોક આવશે તેમ જરૂરિયાતમંદોને ફાળવી દેવાશે. ઇન્જેકશનનો સ્ટોક ક્યાંથી આવ્યો તે અંગે સી.આર.પાટીલે ખુલાસો કર્યો જ છે કે, અમારા શુભેચ્છકોએ ખરિદીને અમને આપ્યાં છે. ગવર્મેન્ટમાંથી એક પણ ઇન્જેકશન લેવાયું નથી. કંપનીમાંથી પેમેન્ટ કરીને લીધા છે. ને દર્દીઓને નિ:શૂલ્ક આપ્યાં છે.’ > નિરંજન ઝાંઝમેરા, શહેર ભાજપા પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...