વરસાદની સિઝન શરૂ થવાની સાથે જ શાકભાજીના ભાવ આકાશે પહોંચી ગયા છે. ટામેટાના ભાવ એક અઠવાડિયામાં ડબલ થઈ ગયા છે. ટામેટાનો ભાવ એક અઠવાડિયા પહેલા 20 રૂપિયા હતો જે વધીને 40 રૂપિયે કિલો પહોંચી ગયો છે. જ્યારે ફ્લાવર, રિંગણ અને દુધી સહિતના લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. એપીએમસીના અધિકારીના કહેવા પ્રમાણે શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે શાકભાજીના ભાવ આકાશે છે. એક અઠવાડિયામાં ઉત્તર ભારતના લોકોનો અને આ મહિનાના અંત સુધીમાં ગુજરાતીઓ અને મહારાષ્ટ્રીયન લોકોનો શ્રાવણ મહિનો શરૂ થઈ જતાં ટામેટાની માંગમાં વધારો થશે. આ ઉપરાંત બીજા ઘણા શાકભાજીના ભાવ રૂ. 100 કિલોએ પહોંચી જતાં મધ્યમવર્ગને ભારે માસિક બજેટને મોટો ઝટકો લાગ્યો છે.
શાકભાજી | પહેલાં (પ્રતિ કિલો) | હવે (પ્રતિ કિલો) |
ટામેટા | 20 | 40 |
રિંગણ | 55 | 70 |
ભીંડા | 25 | 35 |
ફણસી | 75 | 80 |
કારેલા | 55 | 65 |
કોળુ | 10 | 20 |
ગાજર | 20 | 30 |
વટાણા | 80 | 100 |
લીલા મરચા | 30 | 45 |
પેટ્રોલ-ડિઝલ મોંઘુ થતાં શાકભાજીના ભાવ પર અસર વર્તાઈ
છેલ્લા બે વર્ષથી કોરોનાના રોગચાળાનો માર સહન કરી રહેલા લોકોનું જીવન ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યું છે. તો હવે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ ગયાં છે. રોજેરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ કૂદકેને ભૂસકે વધતા લોકોને ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડી રહ્યું છે. એવામાં હવે શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.