મોંઘવારીના માર વચ્ચે ઉનાળામાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યો છે. સામાન્ય દિવસોમાં 20થી 30 રૂપિયામાં કિલો મળતા લીંબુ 300થી 400 રૂપિયે કિલો મળવા માંડ્યા છે. જેથી લીંબુ સોડાના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. ઉનાળામાં લીંબુનું ઉત્પાદન ઘટે છે અને માંગ વધે છે. ખાસ કરીને લીંબુ શરબત, લીંબુ પાણી, શેરડીના રસનો વપરાશ વધતાં માંગમાં વધારો થાય છે.
શહેરમાં લીંબુ મોટા ભાગે વિજાપુર, હૈદ્રાબાદ, મહારાષ્ટ્રના જલગાંવથી આવે છે. હાલ લીંબુના ભાવ કિલો દીઠ 300થી 400 રૂપિયા છે. જેના કારણે લીંબુ સોડાના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. 10થી 15 રૂપિયામાં મળતી લીંબુ સોડા હવે 15થી 20 રૂપિયા ભાવ થઈ ગયો છે.
હાલ શહેરમાં 70ની જગ્યાએ 40 ટન લીંબુની આવક
સામાન્ય દિવસોમાં સુરત શહેરમાં અલગ અલગ રાજ્યોમાંથી 5થી 7 ટ્રક લીંબુ સુરતમાં આવે છે. એક ટ્રકમાં 10 ટન લીંબુ હોય છે. એટલે સામાન્ય દિવસોમાં 7 ટ્રક મળી 70 ટન જેટલા લીંબુ સુરતમાં આવે છે. પરંતુ હાલ લીંબુનું ઉત્પાદન ઓછું હોવાથી 3થી 4 ટન એટલે 40 ટન લીંબુ સુરતમાં આવે છે.
આગામી દિવસોમાં ભાવ ઘટશે
લીંબુ મોંઘા થતાં હવે સંતરા અને મોંસબીનો ઉપયોગ વધ્યો છે. સામાન્ય દિવસોમાં સંતરા અને મોંસબી એક કિલોના 20થી 30 રૂપિયામાં મળે છે. ત્યારે હાલ તેનો ભાવ વધીને 40થી 50 રૂપિયા થઈ ગયો છે. સુરતમાં રોજ 30થી 40 ટન મોંસબી અને 20થી 30 ટન સંતરા આવે છે. હવે આગામી દિવસોમાં સિઝન વધશે એટલે તેની આવકમાં પણ વધારો થશે અને ભાવમાં ઘટાડો થશે.
લિંબુ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થતાં ભાવમાં વધારો થયો
લિંબુ સોડાનો વ્યવસાય કરતાં જયેશ પટેલ કહે છે કે, ‘હાલ લીંબુના ભાવમાં ખુબ જ મોટો વધારો થયો છે. બીજી તરફ પેટ્રોલ, ડિઝલના ભાવ વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધવાથી સોડાના ભાવમાં પણ વધારો થયો છે. જેના કારણે સોડાના ભાવમાં અમે વધારો કર્યો છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.