સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ સુરત-2 ખાતે ફરજ બજાવતા તત્કાલિન ડિસ્ટ્રિકટ ઈન્સ્પેકટર(લેન્ડ રેર્ક્ડ) વિઠ્ઠલ ડોબરીયા પાસે અપ્રમાણસર મિલકતો હોવાની બાબતે એસીબીમાં અરજી થઈ હતી. આ અરજી સંદર્ભે એસીબીને વિઠ્ઠલ ડોબરીયાની કાયદેસરની આવક 37.68 લાખની સામે 59.94 ટકાના વધારા સાથે રૂ. 22.58 લાખની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જેને લઈ એસીબીએ નિવૃત્ત ઓફિસર વિઠ્ઠલ ડોબરીયા (63) અને તેના પુત્ર વિપુલ ડોબરીયા(બન્ને રહે, શુભમ હાઇટ્સ, એસટી ડેપો પાસે, કેશોદ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
એસીબીના સ્ટાફે જણાવ્યું કે વિઠ્ઠલ ડોબરીયા સુરતમાં નવેમ્બર-14 થી માર્ચ-17 સુધી સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ સુરત-2 ખાતે ફરજ બજાવતા હતા.
વિઠ્ઠલ અને તેના પુત્ર વિપુલ સહિત 4 સામે વર્ષ 2019માં ઉમરા પોલીસમાં મોટા વરાછાના બિલ્ડરે ગુનો નોંધાવ્યો હતો. જેમાં 12 પ્લોટોના દસ્તાવેજો બિલ્ડર પાસે હોવા છતાં વિઠ્ઠલે અસલ દસ્તાવેજો ગુમ થયાની પોલીસમાં અરજી કરી હતી. દસ્તાવેજો ગુમ થયાનું પ્રમાણ પત્ર મેળવી કિંમતી જમીન ઘોંચમાં નાખી ફાઇનાન્સ કંપનીમાંથી મોટી લોન મેળવી હતી.
2 ફલેટ, 3 એકર જમીન, ગાડી-દાગીના પણ મળ્યા
અપ્રમાણસર મિલકતોમાં પિતા-પુત્રની ભાગીદારી છે. અપ્રમાણસર મિલકતમાં જૂનાગઢ કેશોદમાં બે ફલેટો, કેશોદમાં 3 એકર જમીન, ટાટા સફારી ગાડી અને મોંઘીદાટ બાઇક તેમજ 2 થી 3 લાખના સોનાના દાગીના મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.