હત્યારાની ધરપકડ:કોર્ટ કેમ્પસમાં પોલીસને ધમકી આપનાર હત્યારાની ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હત્યારાએ કહ્યું હતું કે, હું 4 મર્ડર કરીને આવ્યો છું, વધુ એક કરી નાંખીશ તો મને ફરક નહી પડે’

મહિના પહેલા અઠવાલાઇન્સ કોર્ટમાં તારીખ પર આવેલા હત્યારાને પત્ની સાથે મળવા ન દેતા તેણે પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને પોલીસને ધમકી આપી હતી કે, ‘હું ચાર મર્ડર કરીને આવ્યો છું, એક મર્ડર વધારે કરી નાંખીશ તો મને કોઈ ફરક નહીં પડે અને આમ પણ હું જેલમાં જ રહેવાનો છું.’ આ ધમકીને પગલે ઉમરા પોલીસે મહિના પહેલા હત્યારા સહિત 2 આરોપીઓની સામે ગુનો નોંધાવ્યો હતો. આ ગુનામાં ઉમરા પોલીસે હત્યારા મોહમદ તુફેલ ઉર્ફે કોયલા કાસાઢ મોહમદ હનીફ શેખ (32)ની શનિવારે ધરપકડ કરી છે.

હત્યારો નાનપુરા કાદરશાની નાળમાં હબીબશાહ મહોલ્લામાં રહે છે. 17મી નવેમ્બરે નવી કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટની તારીખ માટે પોલીસ જપ્તા સાથે હત્યારાને લાવવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટની બાજુમાં જે લોકઅપ હતું તેમાં તેને રાખવામાં આવ્યો હતો. જ્યાં તેની પત્ની ચા-પાણી અને નાસતો આપવા આવી ત્યારે હત્યારા સાથે મુલાકાત કરવાની કોશિશ કરતી હતી. જેથી પોલીસે હત્યારાની પત્નીને મળવા દીધી ન હતી.

જેથી તેણે પોલીસ સાથે માથાકૂટ કરી હતી અને પોલીસને મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે જેલમાંથી હત્યારાનો કબજો મેળવી ધરપકડની કાર્યવાહી કરી છે. હવે પછીની તારીખ પર હત્યારાને કોર્ટમાં લાવવાને બદલે જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી જ હાજર કરાશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...