ધરપકડ:સુરતમાં MLAના નામે ખોટો સિક્કો બનાવી આધાર કાર્ડ બનાવવાના કેસમાં વધુ એક યુવક ઝડપાયો

સુરતએક વર્ષ પહેલા
આરોપી ઉતમ સ્ટેમ્પ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે - Divya Bhaskar
આરોપી ઉતમ સ્ટેમ્પ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે
  • પહેલા પાંચ બાદ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી
  • ઝડપાયેલો આરોપી બનાવટી સ્ટેમ્પ બનાવી આપતો હતો

શહેરમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાના નામે ખોટો સિક્કો બનાવી આધાર કાર્ડ બનાવના પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો છે. કતારગામ પોલીસે સ્ટેમ્પ બનાવનાર યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાના નામે ખોટો સિક્કો બનાવી બોગસ આધાર કાર્ડ બનાવતા હતા
કતારગામ વિસ્તારમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાના નામે ખોટો સિક્કો બનાવી બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા હતા. આ મામલે પોલીસે અગાઉ દરોડો પાડી 5 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં તપાસ કરી રહેલી પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીનું પૂરું નામ ઉતમ ભીમજીભાઈ સાવલીયા છે અને તે ખોલવડ ખાતે રહે છે. આરોપી ઉતમ સ્ટેમ્પ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. હાલ આ આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

આધાર કાર્ડ બનાવવાના રૂ. 600 મેળવી તેઓનું ફોર્મ ભરી આપતા હતા
અગાઉ પોલીસે મીતેષ વિનુભાઇ સેલીયા, સહેઝાદ સલીમભાઇ દીવાન, મેહુલકુમાર શૈલેષભાઇ પટેલ, મયુર રામજીભાઇ મોરડીયા, પરાગ કમલેશભાઇ વાઘેલાને ઝડપી લીધા હતા. આ ટોળકી ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાના નામનો ખોટો બનાવટી સીક્કો બનાવી આધાર કાર્ડ બનાવવા આવતા લોકો પાસેથી એક આધાર કાર્ડ બનાવવાના રૂ. 600 મેળવી તેઓનું ફોર્મ ભરી આપતા હતા. જેમા ધારાસભ્યના નામની ખોટી સહી તથા ખોટો સીક્કો મારતા હતા. અડાજણ પાલ સ્થિત આધાર કાર્ડ સેન્ટરમાં આવા આધાર કાર્ડ મળી આવ્યા બાદ ધારાસભ્યને જાણ થતા તેમણે કતારગામ પોલીસને જાણ કરી હતી. જેથી કતારગામ પોલીસે છાપો માર્યો હતો.