ગુજરાતમાં રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્ય સરકારે આપેલી છૂટછાટો જોખમકારક સાબિત ન થાય તો નવાઈ નહીં. કારણ કે ઓમિક્રોન વેરિયન્ટનો 1 કેસ સુરતમાં નોંધાયો છે. અગાઉ જામનગરમાં ઓમિક્રોનના ત્રણ કેસ મળી ચૂક્યા છે. ત્યારે સુરતમાં વધુ એક કેસ મળી આવ્યો છે. આમ રાજ્યમાં હવે ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીની સંખ્યા ચાર પહોંચી છે.
એક સપ્તાહ પૂર્વે જ દર્દી સાઉથ આફ્રિકાથી આવ્યા છે
સૌથી મોટી અને ચિંતાજનક બાબત એ છે કે, સુરતમાં એક સપ્તાહ પહેલા સાઉથ આફ્રિકાથી આવેલા પ્રવાસીને પરત આવ્યા બાદ ત્રીજીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું સામે આવ્યું છે. અગાઉના પ્રવાસી ભારત પરત ફરતાં સમયે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી નેગેટિવ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં પણ તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
કોરોનાના લક્ષણ જણાતા ત્રીજો ટેસ્ટ કરાવ્યો હતો
દરમિયાન એક સપ્તાહ પછી કોરોનાના લક્ષણો જણાતા સાઉથ આફ્રિકાથી આવ્યા બાદ ત્રીજો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના ઓમિક્રોન પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ આ દર્દી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. જેની તબિયત સ્થિર હોવાની આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મળી છે.
પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ
સુરત કોર્પોરેશનના આસિસ્ટન્ટ હેલ્થ કમિશનર ડૉ આશિષ નાયકે જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકાથી પરત આવેલા 42 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ કરાવતા ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું માલુમ પડ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેના પરિવારના લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. પરિવારના લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમની સાથે પ્રવાસ કરનાર તમામ વ્યક્તિઓના પણ ટેસ્ટિંગ કરાયા છે, તે પણ નેગેટિવ આવ્યા છે. વરાછાનો યુવક પોઝિટિવ આવ્યા બાદ તેને યુનિટી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર જળવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.