સુરતમાં ભાજપના નેતાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. ઝંથના પટેલ કોરોના પોઝિટિવ આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી ના કોરોના પોઝિટિવ આવેલા નેતાઓમાં વધુ એક નામ જોડાઈ ગયુ છે. ઝંખના પટેલ 26 તારીખે મુખ્યમંત્રી જ્યારે સુરત કાર્યક્રમમાં આવ્યા હતા. ત્યારે તેઓ તે ઉપર હાજર હતા. સોમવારે તેમને થોડી તકલીફ હોય તેવું જણાતું હતું અને ત્યારબાદ તેમણે ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. ત્રણે ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ભાજપના નેતાઓમાં સંક્રમણ વધ્યું હોવા છતાં આજે ઉધના ખાતેના ભાજપના કાર્યાલય પર યોજાયેલા કાર્યક્રમમાં નિયમો નેવે મૂકાયાં હતાં.
ગળામાં ઈન્ફેશન
આજે સવારે ફરીથી ઝંખના પટેલને થોડી તબિયતના તંદુરસ્ત જણાતા તેમણે ફરી એકવાર કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું. તાજેતરમાં જ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદિપ દેસાઇ સૌપ્રથમ કોરોના પોઝિટિવ થયા હતા. સંદિપ દેસાઇ સાથે વિવિધ કાર્યક્રમમાં ઝંખના પટેલ અને પૂર્ણેશ મોદી સતત તેમની સાથે હતા. આજે ફરીથી ઝંખના પટેલને ગળામાં ઇન્ફેક્શન જેવું લાગતું હતું અને શરીરમાં કળતર થતી હતી. જેને પગલે તેમણે આજે RTPCR ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં ઝંખના પટેલ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું હતું.
કાર્યાલય પર કાર્યક્રમ
સુરત શહેરની અંદર સતત વધતા કોરોના સંક્રમણના કેસોને કારણે આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. વારંવાર અધિકારીઓ દ્વારા સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનો પાલન કરવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે નક્કી કરી લીધું છે કે, તેઓ સરકારના એક પણ નિયમનો અમલ નહીં કરે. ઉધના કાર્યાલય ખાતે ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં અને મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ ભાવિનભાઈ ટોપીવાલાના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રોના 350થી વધુ યુવાનોને વિસ્તારક યોજના અન્વયે પ્રારંભાયેલ BJYMYuvaMitra અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીમાં પંડિત દિન દયાલ ભવન ભાજપ કાર્યાલય ખાતે જોડવામાં આવ્યા હતા.
ભાજપના નેતાઓને લાપરવાહી ભારે પડી
ગ્રામ પંચાયતનાં ઇલેકશન બાદ હવે નેતાઓના કોરોના પોઝિટિવ આવવાના સિલસિલો સતત વધી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ સંદિપ દેસાઈ, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને શહેર મહામંત્રી કિશોર બિંદલ પોઝિટિવ આવી ચૂક્યા છે. હવે વધુ એક નામ ધારાસભ્ય ઝંખના પટેલનું ઉમેરાયું છે. સતત લોકોના મેળાવડાઓ કરીને અલગ અલગ કાર્યક્રમોમાં હાજર રહેતા નેતાઓ હવે પોતે જ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.
હોમ આઈસોલેટ થયાં
ધારાસભ્ય ઝંખના પટેલે જણાવ્યું કે. પહેલી વખત જ્યારે કોરોના ટેસ્ટિંગ કરાયું ત્યારે નેગેટિવ આવ્યો હતો પરંતુ આજે ફરીથી મને તકલીફ જણાતાં રિપોર્ટ કરાવ્યો હતો જેમાં પોઝિટિવ આવ્યો છે. સોમવારથી જ મને થોડી તકલીફ જણાતી હતી અને તેને કારણે હું હોમ આઇસોલેશનમાં પોતે જ રહી હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી હું ઘરની બહાર નીકળી નથી અને કોઈ કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરી નથી. હાલ અત્યારે ડોક્ટરોની સૂચના મુજબ ઘરે જ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ રહી છું. તકેદારીના ભાગરૂપે મારી સાથે સંપર્કમાં આવેલા લોકોએ પણ ટેસ્ટિંગ કરી લેવું જોઈએ. જોકે હાલ મને અત્યારે કોઈ વધુ તકલીફ થઇ રહી નથી.
મંત્રીની હાજરીમાં કાર્યક્રમ
કાર્યક્રમમાં જે રીતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. તે જોતા ખરેખર ભયાવહ માહોલ હોય તેવું લાગી રહ્યું છે. મંચ પર હાજર અને નીચે બેસેલા એક પણ હોદ્દેદાર કે કાર્યકર્તાના ચહેરા ઉપર માસ્ક દેખાયું ન હતું. આ કાર્યક્રમમાં મહાનગરના હોદેદારો, પ્રદેશ યુવા મોરચામાં વિવિધ જવાબદારી સાંભળતા કાર્યકર્તાઓ, મહાનગરના કારોબારી સભ્યો, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.તથા બીજા કાર્યક્રમમાં 155 ઓલપાડ વિધાનસભામાં "યુવા જોડો અભિયાન" અંતર્ગત આદરણીય ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલની હાજરીમાં સુરત મહાનગર યુવા મોરચાના મંત્રી સંજયભાઈ રાઘવાણી દ્વારા 500થી 700 કાર્યકરોને પણ જોડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.