અઠવાડિયા પહેલાં નાનપુરા નજીક રૂદરપુરા ખંડેરાવપુરા વિસ્તારમાં રાત્રે થયેલી જૂથ અથડામણ બાદ પોલીસ દ્વારા પાડાના વાંકે પખાલીને ડામ અપાતો હોયના ન્યાયે રાત્રે 10 વાગ્યા બાદ પોલીસ દ્વારા દુકાનો બંધ કરાવી દેવાઇ રહી છે. જેના પગલે કોરોના બાદ માંડ માંડ થાળે પડી રહેલા કામધંધાને ફરીથી નુકસાન થઇ રહ્યું છે. એક તરફ પોલીસ તોફાન મચાવનારા અસામાજિક તત્વોને ડામી શકવામાં નબળી પુરવાર થઇ રહી છે તો બીજી તરફ શાંતિથી ધંધો કરી પેટીયું રળતા દુકાનદારો પાસે ફરજિયાતપણે રાત્રે 10 પછી દુકાનો બંધ કરાવી રહી છે.
અઠવાડિયા પૂર્વે બનેલી ઘટનામાં રૂદરપુરા લાપસીવાલાની ચાલ પાસે રાત્રે સવા અગિયાર વાગ્યાના સમયગાળામાં ગાડીની ટક્કર લાગવા મુદ્દે ઝઘડો થયા બાદ મામલો બીચકાયો હતો. જોત જોતામાં અહી હોબાળો મચી ગયો હતો . વાતનું વતેસર થતાં બંને જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો કરાયો હતો અને કાચની બોટલો ફેંકાઈ હતી.
જેને લઈને રાત્રીના સમયે અહીં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો અને ખુદ પોલીસ કમિશનર પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે આ ઘટના બાદ અસામાજિક તત્વોને નિયંત્રણમાં રાખવાની આડમાં પોલીસ બળજબરીથી રાત્રે 10 કલાક બાદ દુકાનો બંધ કરાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.