વિરોધ પ્રદર્શન:સુરતમાં આંગણવાડીની બહેનોએ બજેટનો વિરોધ કર્યો, માનદ વેતનની માંગને પૂર્ણ ન થતા પૂતળા દહનનો પ્રયાસ

સુરત7 મહિનો પહેલા
કામ પ્રમાણેનું વેતન માગતા મહિલાઓએ વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
કામ પ્રમાણેનું વેતન માગતા મહિલાઓએ વિરોધ કર્યો હતો.
  • આંગણવાડીની બહેનોએ બજેટ વિરૂદ્ધ નારેબાજી કરી

સુરતના લિંબાયતમાં નીલગીરી સર્કલ ખાતે આજે 500 કરતાં વધારે આંગણવાડી બહેનો એકત્રિત થઈને બજેટના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં ફરી એક વખત આંગણવાડી સાથે જોડાયેલી મહિલાઓની માંગ પૂર્ણ કરવામાં આવી નથી. આંગણવાડી મહિલાઓએ માનદ વેતન તરીકે 18,000 રૂપિયાની માંગ કરી હતી. પરંતુ હજી પણ માત્ર 7800 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમજ હેલ્પર બહેનોને 4200 રૂપિયા ચૂકવવામાં આવે છે. સુરત શહેરમાં અંદાજે 2000 કરતાં વધારે આંગણવાડી બહેનો કામ કરે છે. શહેરમાં 1022 જેટલી આંગણવાડીઓ કાર્યરત છે.

કામગીરી સામે વળતર નહીં
શહેરમાં આંગણવાડી વર્કર ઘણી મહિલાઓ 15થી 20 વર્ષથી ફરજ બજાવી રહી છે. છતાં પણ તેમને વેતન ખૂબ જ ઓછું આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો મહિલાઓએ કર્યો છે. આંગણવાડી વર્કર પાસેથી અનેક પ્રકારની કામગીરી કરવામાં આવે છે. જેમાં બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ, સગર્ભાઓને નાસ્તો પહોંચાડવો, કોરોના સંક્રમણ કાળ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા તેમને બે વર્ષ સુધી સર્વેની અલગ અલગ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કોર્પોરેશન દ્વારા તેમને અલગથી મહેનતાણું ચૂકવવાની પણ વાત થઈ હતી. છતાં તેમને કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી.

મહિલાઓએ નારેબાજી કરીને દેખાવો યોજ્યા હતાં.
મહિલાઓએ નારેબાજી કરીને દેખાવો યોજ્યા હતાં.

આંદોલનની ચીમકી
આંગણવાડી વર્કર રેખા પાટીલે જણાવ્યું કે, ગાંધીનગર ખાતે બાળ વિકાસ કમિશનર સાથે અમારી બેઠક કરવામાં આવી હતી. જે દરમિયાન અમે અમારા માનદવેતનને 18,000 કરવા માટે બજેટમાં સ્થાન આપવામાં આવે તે પ્રકારની પણ ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે બાળ વિકાસ કમિશનર દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું કે, અમારી પહોંચાડવામાં આવશે. પરંતુ બજેટ રજૂ થયા બાદ અમે ખૂબ જ નિરાશ થયા છે. પરિણામે આજે અમે બજેટના પૂતળાદહન કરવાનો પ્રયાસ કર્યો હતો. શાસકોના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આગામી દિવસોમાં અમે ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું વિચારી રહ્યા છે.