પતિ-પત્નીનું કારસ્તાન:સુરતમાં આડાસંબંધના પારખાંમાં પ્રેમી પર એસિડ નાખનાર પરિણીત પ્રેમિકા અને તેના પતિની ધરપકડ

સુરત3 મહિનો પહેલા
એસિડ એટેક કેસમાં પતિ-પત્નીની ધરપકડ.
  • 15 દિવસથી પતિએ એસિડ લાવી દુકાનમાં મૂકી રાખ્યું હતું

સુરતના ગોડાદરા વિસ્તારમાં પરિણીતાએ પતિની સામે પ્રેમી પર એસિડ અટેક કરવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજા થઈ છે. જ્યારે ઝપાઝપીમાં આરોપી પતિ ઉપર પણ એસિડ ઉડતા તેને પણ ઇજા પહોંચી છે. હાલ સમગ્ર મામલે ગોડાદરા પોલીસએ ગુનો દાખલ કરીને પતિ-પત્નીની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પતિને પોતાના જ મિત્ર સાથે પત્નીના આડાસંબંધની જાણ થઈ ગઈ હતી. જેથી પત્નીએ આડાસંબંધ ન હોવાનો વિશ્વાસ અપાવવા પ્રેમી પર જ એસિડ નાખ્યું હતું.

મિત્રની પત્ની સાથે જ આડાસંબંધ ભારે પડ્યાં
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મહારાણા ચોક ખાતે આવેલા રાજ એમ્પાયર કોમ્પ્લેક્સમાં ભાવિન (નામ બદલ્યું છે) કપડાંની દુકાન ધરાવે છે. જ્યારે જ્યાં ભોગ બનનાર સની (નામ બદલ્યું છે) કપડાં લેવા અવારનવાર આવતો હોય બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. આ મિત્રતાના કારણે સનીની ભાવિનના ઘરે અવરજવર થવા લાગી. જ્યાં ભાવિનની પત્ની પ્રિન્સી (નામ બદલ્યું છે) સાથે સનીની આંખો મળી જતાં પ્રેમ સબંધ બંધાયો હતો.

પતિના મિત્ર સાથે જ પ્રેમ થયો.
પતિના મિત્ર સાથે જ પ્રેમ થયો.

મરજીથી શરીરસંબંધ પણ બંધાયો હતો
સની અને પ્રિન્સી ઘરે પણ મળતા હતા. દરમિયાન એકબીજા વચ્ચે મરજીથી બે વખત શરીરસંબંધ પણ બંધાયો હતો. જેની જાણ ભાવિનની થઈ હતી. જોકે ભાવિને સનીને આ બાબતે વાત કરી ન હતી. ભાવિન અને પ્રિન્સી વચ્ચે આ બાબતે ઝઘડા થતા હતા.જ્યારે સની પણ ભાવિનની પત્ની જ્યારે દુકાન પર હોય, ત્યારે વધારે આવતો હોય આસપાસના દુકાનદારોને શંકા ગઈ હતી. પત્નીના આડાસબંધો અંગે આસપાસના દુકાનદારોએ ભાવિનને જાણ કરતાં બન્ને વચ્ચે ઝઘડા પણ થતા હતા.

પતિને પત્નીના આડાસંબંધની જાણ થઈ ગઈ હતી.
પતિને પત્નીના આડાસંબંધની જાણ થઈ ગઈ હતી.

પરિણીત પ્રેમિકાએ પ્રેમીના મોઢા પર એસિડ ફેંકી દીધું
આખરે ભાવિને પોતાની પત્નીને કહ્યું કે, જો તારે સની સાથે આડાસબંધ ના હોય તો તેની પર એસિડ એટેક કરીને સાબિતી આપવી પડશે. આ માટે પતિએ પ્લાન પ્રમાણે છેલ્લા 15 દિવસથી પુણા વિસ્તારમાંથી એસિડ લાવીને પોતાની દુકાનમાં મૂકી રહ્યું હતું. જ્યારે સની દુકાનમાં આવ્યો, ત્યારે જ પત્નીએ તેના મોઢા પર એસિડ ફેંકી દીધું હતું. આ દરમિયાન સની અને ભાવિન વચ્ચે ઝપાઝપી થતાં તે પણ ઘાયલ થયો હતો.

આડાસંબંધના પારખાં કરાવવા પતિએ પત્ની પાસે પ્રેમી પર એસિડ નખાવ્યું.
આડાસંબંધના પારખાં કરાવવા પતિએ પત્ની પાસે પ્રેમી પર એસિડ નખાવ્યું.

પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી
એસિડ એટેકમાં ઈજાગ્રસ્ત સની અને ભાવિનને નજીકના શોપિંગ સેન્ટરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ હોસ્પિટલ આવી પહોંચી હતી અને પતિ પત્નીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી લીધી છે.