સુરતમાં મધર્સ ડે 8 મેના દિવસે દયાળજી બાગ પાસે તાપીમાંથી એક મહિલા અને બાળકીનો દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. પોલીસે ફાયરબ્રિગેડની મદદથી મહિલા અને બાળકીના મૃતદેહ બહાર કાઢી તપાસ શરૂ કરી હતી. મૃતક માતા દિપાલી સાગર દૈવે અને બે વર્ષીય પુત્રી ક્રિશાની ઓળખ થઈ હતી. મૃતક દિપાલીના પિતાએ સાસરિયાના 4 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સાસરિયાવાળા મૃતક દિપાલીને કહેતા હતા કે, તું શ્યામ છે મારા દીકરા સાથે શોભતી નથી.
ઘરેથી નીકળી ગયા બાદ લાશ મળી
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલ કરાડ રોડ પ્રયોશા પાર્ક ખાતે રહેતા સાગર બદ્રીનાથ દૈવેએ ગત તારીખ 06-05-2022ના રોજ 26 વર્ષીય દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા હોવાની અરજી ડિંડોલી પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 8 મેના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી દુપટ્ટા સાથે બાંધેલ માતા અને પુત્રીની ખોવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી નદીમાંથી બંનેની લાશ કાઢી રાંદેર પોલીસે કબજે કરી હતી.
ત્રણ વર્ષ પહેલાં લગ્ન થયા હતા
મૃતકના પતિ સાગર દૈવે ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. પત્ની દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા માતા-પિતા સાથે રહેતા હતા. સાગર દૈવે અને દિપાલીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. મૂળ મહારાષ્ટ્રના નાંદુરા જિલ્લાના બુલડાના વતની છે. દાંપત્ય જીવનમાં પણ સતત કંકાસ થતો રહેતો હતો. પતિના પરિવારના સભ્યો સાથે દિપાલી ખુશ ન હોય તેવું જણાઈ આવતું હતું.
પિતાએ ફરિયાદ નોંધાવી
પિતાએ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પતિ સાગર, સસરા, સાસુ અને નણંદ રસોઈ બનાવવા બાબતે સતત ટોણા મારતા હતા. સાથે કહેતા કતા કે, તું શ્યામ છે મારા છોકરા સાથે ગાડી પર બેસીને જાય તો તું શોભતી નથી. લગ્ન બાદ એકલી પિયરવાળા સાથે વતન પણ મોકલતા ન હતા. સતત ત્રાસના કારણે અંતિમ પગલું ભર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.