બાળકી હેમખેમ મળી:સુરતમાં 2 વર્ષની માસૂમને લઈને જતાં મહિલા-પુરુષ CCTVમાં કેદ, 15 કલાક બાદ બાળકી મળી, પોલીસ દ્વારા દંપતીની પૂછપરછ

સુરત5 મહિનો પહેલા
  • ઘરઆંગણે રમતાં રમતાં વડોદ ગણેશનગર તરફ ચાલી ગઈ હતી
  • બાળકીની શોધખોળ બાદ પણ ક્યાંય પતો ન લાગતાં પાંડેસરા પોલીસને જાણ કરાઈ હતી

સુરતમાં પાંડેસરા વિસ્તારમાંથી 2 વર્ષની માસુમ બાળકીનું અપહરણ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ACP, DCP સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પોલીસની ટીમો તમામ વિસ્તારોમાં ઘર-ઘર ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. 15 કલાક બાદ માસુમ બાળકીની ભાળ મળતા પરિવાર સહિત પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. માસુમ બાળકીને એક મહિલા અને પુરુષ ઉપાડીને લઈ જતા સીસીટીવીમાં કેદ થતા પરિવારની ચિંતા વધી ગઈ હતી.

બાળકી રડતી હોવાથી દંપતી ઘરે લઈ ગયા હોવાનું જણાવ્યું
15 કલાકથી ગુમ બાળકીને ડોર ટુ ડોર શોધી રહ્યા હતા ત્યારે શાકભાજી માર્કેટ પાસેના એક ઘરમાંથી બાળકી હેમખેમ મળી આવી હતી. પોલીસ તપાસમાં ઘરની મહિલાએ જણાવ્યું હતું કે શાકભાજીની ખરીદી દરમિયાન બાળકી રડી રહી હતી. એટલે એને સાથે ઘરે લઈ આવ્યા હતા અને દીકરીની જેમ રાત રાખી હતી. બસ કોઈ શોધવા આવે એની રાહ જોતા હતા. હાલ પોલીસ આ દંપતીની પૂછપરછ કરી રહી છે.

400 પોસ્ટરો, 700 જેટલા ઘરો, 225 કેમેરાની તપાસ કરી
કે એફ બલોલિયા (ડીસીપી ઝોન-3)એ જણાવ્યું હતું કે ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસે તાત્કાલિક અલગ અલગ 15 ટીમોમાં 250 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓની ટીમો બનાવી કેસની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઇમબ્રાંચ તથા એસ.ઓ.જી.શાખાની ટીમો પણ અપહરણ થનાર બાળકીને શોધી કાઢવા તપાસ માટે જોડી હતી. ત્યારબાદ ગુમ થનાર બાળકીના 400 પોસ્ટરો લગાવડાવી તેમજ અલગ અલગ વિસ્તારોમાં લાઉડ સ્પીકરથી જાહેરાત કરી 700 જેટલા ઘરોને સર્ચ કર્યા હતા. 225 જેટલા પ્રાઇવેટ તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સુરત સીટીના કેમેરા ચેક કર્યા હતા. સુરત રેલ્વે સ્ટેશન તથા ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ટીમો બનાવી ટેકનિકલ વર્ક આઉટ તેમજ હ્યુમન રીસોર્સિસ આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

બાળકી ઘરથી એક કિમી દૂરથી હેમખેમ મળી
વડોદ સાંઇનગર ખાતે રહેતા સંજયભાઇ રામભજન બંસલ તેમજ તેમની પત્ની પુજાબેનને ગુમ થયેલી બાળકી આંબેડકર ચોક વડોદ રોડ પરથી એકલી મળી આવતા આ દંપતીએ બાળકીના વાલીવારસ બાબતે આજુબાજુના વિસ્તારમાં પોતાની રીતે શોધખોળ કરી હતી. પરંતુ વાલીવારસ મળી આવ્યા ન હતા. જેથી મોડીરાત થઈ જતા બાળકીને પોતાના ઘરે લઇ જઇ જમાડી સૂવડાવી દીધી હતી. આજરોજ પોલીસની ટીમ દ્વારા ટેક્નિકલ સોર્સિસ આધારે ગુમ થનાર બાળકીને ફરીયાદીના ઘરથી આશરે એક કિમીના અંતરે આવેલી સંજય બંસલના ઘરેથી સહી સલામત શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરી છે.

બાળકીને લઈને જતા મહિલા-પુરૂષ સીસીટીવીમાં કેદ થયા હતા.
બાળકીને લઈને જતા મહિલા-પુરૂષ સીસીટીવીમાં કેદ થયા હતા.

બુધવારની સાંજેથી ઘરેથી બાળકી ગુમ થઈ હતી
સુધા પાંડે (કોર્પોરેટર) એ જણાવ્યું હતું કે પીડિત પરિવાર બિહારનું રહેવાસી છે. ચાર સંતાનોમાં 2 વર્ષની બાળકી ત્રીજા નંબરની દીકરી છે. બુધવારની સાંજે ઘર આંગણે રમતા રમતા વડોદ ગણેશ નગર તરફ ચાલી ગયા બાદ કોઈ ઉપાડી ગયું હતું. બાળકીની શોધખોળ બાદ પણ ક્યાંય પતો ન લાગતા પાંડેસરા પોલીસને જાણ કરાઈ હતી.

પોલીસ અલગ-અલગ ટીમો બનાવી કામે લાગી હતી.
પોલીસ અલગ-અલગ ટીમો બનાવી કામે લાગી હતી.

એસીપી, ડીસીપી સહિતની ટીમ તપાસમાં લાગી
વધુમાં જણાવ્યું હતું કે શ્રમજીવી પરિવારે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરતા પોલીસ રાતથી જ બાળકીને શંકાસ્પદ લોકોના ઘરે જઈ શોધી રહી હતી. આવાસના મકાનોમાં શોધખોળ કરી રહી હતી. પીઆઇ, એસીપી, ડીસીપી અને મહિલા પોલીસની ટીમ પણ માસુમ બાળકીને શોધી કાઢવા 15 કલાકથી કામે લાગી હતી.

શાકભાજી માર્કેટ પાસેના એક ઘરમાંથી બાળકી હેમખેમ મળી આવી.
શાકભાજી માર્કેટ પાસેના એક ઘરમાંથી બાળકી હેમખેમ મળી આવી.

બાળકી ગુમ થયાના વધતા સમયને લઈ પરિવારની ચિંતા વધી
વધુમાં જણાવ્યું હતું કે વડોદ ગામ ગણેશનગર પાસેની એક દુકાનના સીસીટીવી કેમેરામાં બાળકીને લઈને જતા એક પુરુષ અને સ્ત્રી દેખાયા હતા. પોલીસ બન્નેની ઓળખની દિશામાં પણ કામ કરી રહી હતી. બાળકી ગુમ થયાના વધતા સમયને લઈ પરિવારની ચિંતા વધી રહી હતી. પોલીસ બધા જ કામ બાજુએ મૂકી અપહરણ કરાયેલી બાળકીને શોધી કાઢવાની દિશામાં જ કામ કરી રહી હતી. પોલીસ સાથે સમાજ સેવા કરતી મહિલાઓની આખી ટીમ પણ બાળકીને શોધી કાઢવા ગલીએ ગલીએ શોધખોળ કરી રહી હતી. દરમિયાન બાળકી મળી આવી હતી.