કોરોનાકાળ બાદ ઓટો સેક્ટરની ગાડી ટોપ ગિયરમાં દોડવા લાગી છે. છેલ્લા એક વર્ષમાં સુરતમાં 4 હજારથી વધુ કરોડનાં 1.31 લાખ વાહનો ખરીદવામાં આવ્યાં છે, જેમાં 1 લાખથી વધુ બાઈક-મોપેડ ખરીદાયાં છે, જ્યારે 23 હજારથી વધુ કારની ખરીદી કરવામાં આવી છે. આ સાથે જ 7 હજારથી વધુ અન્ય વાહનો ખરીદવામાં આવ્યાં છે. છેલ્લાં બે વર્ષની સરખામણીએ બાઈક અને કારના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે 4538 ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી સાથે સુરત રાજ્યમાં અગ્રેસર રહ્યું છે.
2020-21માં 81,848 બાઈક અને 16,107 કાર ખરીદાઈ હતી
છેલ્લા એક વર્ષમાં એટલે કે 2021-22માં સુરત આરટીઓના ચોપડે નોંધાયેલાં વાહનોની સંખ્યા પર નજર કરીએ તો સુરતમાં દરરોજ સરેરાશ 275 બાઈક અને 65 કારની ખરીદી થઇ રહી છે. વર્ષ 2021-22માં સુરતમાં 1,00,270 બાઈક, 23,557 કાર, 7,550 રિક્ષા, ટ્રેક્ટર, એમ્બ્યુલન્સ સહિતનાં વાહનો ખરીદાયાં હતાં. આ ઉપરાંત 4538 ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી સાથે સુરત રાજ્યમાં અગ્રેસર રહ્યું છે. જ્યારે વર્ષ 2020-21માં સુરતમાં 81,848 બાઈક અને 16,107 કાર ખરીદાઈ હતી.
2021-22માં 18,422 બાઈક, 7450 કારનું વેચાણ વધુ થયું
છેલ્લાં બે વર્ષમાં કોરોનાના ગ્રહણને લીધે ઓટો સેક્ટરની ગાડી પાટા પરથી ઊતરી ગઇ હતી, પરંતુ ધીમે ધીમે એની ગાડી ફરી પાટે ચઢી ગઇ છે. વર્ષ 2021-22માં સુરત આરટીઓના ચોપડે કુલ 1,31,377 વાહન નોંધાયાં છે, જેમાં 1,00,270 બાઈક-મોપેડ, 23,557 કાર અને 7550 અન્ય વાહનોનો સમાવેશ થાય છે. હવે બાઈકની સંખ્યાને 365 દિવસ મુજબ ગણતરી કરીએ તો સુરતમાં દરરોજ સરેરાશ 275 બાઈકની ખરીદી થઇ રહી છે, જ્યારે 65 કાર ખરીદાય છે. વધુમાં વર્ષ 2020-21 અને 2021-22ની સરખામણી કરીએ તો 2021-22માં 18,422 બાઈક, 7450 કારનું વેચાણ વધુ થયું છે.
1 વર્ષમાં 4062 કરોડનાં વાહનો ખરીદાયાં
અત્યારસુધીમાં સુરત આરટીઓના ચોપડે 36.82 લાખ વાહનો નોંધાઈ ચૂક્યાં છે. છેલ્લા 1 વર્ષમાં 1,00,270 બાઈક ખરીદાઈ છે. હવે એક બાઈકની સરેરાશ 95000ની કિંમત મુજબ સુરતમાં અધધ..952 કરોડ રૂપિયાની માત્ર બાઈક ખરીદાઈ છે. જ્યારે 23557 કાર માટે એક કારના સરેરાશ 10 લાખ કરીએ તો 2355 કરોડ રૂપિયાની કારનું વેચાણ થયું છે. બંને થઈને સુરતમાં એક વર્ષમાં 3300 કરોડથી વધુનાં વાહનો ખરીદવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય કેટેગરીના 7550 વાહનો, જેમાં એક વાહનની અંદાજિત કિંમત 10 લાખ ગણીએ તો 755 કરોડ રૂપિયા થાય છે. હવે તમામ મળીને સુરતમાં એક વર્ષમાં અંદાજિત 4062 કરોડ રૂપિયાનાં માત્ર વાહનો ખરીદવામાં આવે છે, એટલે ઓટો સેક્ટરનું માર્કેટ 4000 કરોડ કરતાં પણ વધુનું છે.
વાહનની સંખ્યા 36.82 લાખને પાર
સુરત આરટીઓના ચોપડે અત્યારસુધીમાં નોંધાયેલાં વાહનોની સંખ્યા પર નજર કરીએ તો સુરત જિલ્લામાં દર બે વ્યક્તિએ એક વાહન છે. સુરત જિલ્લાની અંદાજિત 70થી 75 લાખની વસતિ છે. ત્યારે ત્યાં વાહનની સંખ્યા 36.86 લાખને પાર કરી ગઇ છે. આમ, દર બે વ્યક્તિએ એક વાહન હોવાનું માની શકાય. વાહનો વધવાની સાથે નિયમ પાલન પણ થાય એ આવકાર્ય છે.
સુરતમાં વાહનોની સંખ્યા
વાહન | સંખ્યા |
બાઈક | 25,11,827 |
મોપેડ | 3,47,132 |
કાર | 5,11,327 |
રિક્ષા | 1,10,119 |
જીપ | 24,545 |
થ્રી-વ્હીલર | 47,839 |
ટ્રેક્ટર | 22,382 |
એમ્બ્યુલન્સ | 715 |
બસ | 4,100 |
કેબ | 1,834 |
ટ્રક-ટેમ્પો | 11,847 |
(સુરત RTO પ્રમાણે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.