• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • An Unknown Person Called The Candidate Of Udhana From Surat And Offered To Make Him A Rajya Sabha MP, Patil Said 'nobody Was Found In The Morning'

AAPના ઉમેદવારને ઓફર:અજાણ્યાએ ફોન કરી રાજ્યસભા સાંસદ બનાવવાની ઓફર કરતાં પાટીલે કહ્યું- 'સવાર-સવારમાં કોઈ મળ્યું નહિ'

સુરત17 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે એક પક્ષમાંથી બીજા પક્ષમાં નેતાઓની કૂદાકુદ થઈ રહી છે. તો ઉમેદવારોને શામ, દામ, દંડ અને ભેદની નીતિથી પોતાની તરફેણમાં લાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. સુરત પૂર્વના આપના ઉમેદવારે તો ફોર્મ પરત ખેંચી લીધું છે. ત્યારે ઉધના બેઠકના ઉમેદવારને પણ એક ફોન કોઈ અજાણ્યાએ કર્યો હતો, જેમાં ભાજપને સપોર્ટ કરે તો રાજ્યસભા સાંસદ બનાવવાની પણ ઓફર કરવામાં આવી હતી. ત્યારે ઉમેદવારે આ ઓફરને નકારતાં હસતાં હસતાં કહ્યું કે સવાર સવારમાં કોઈ મળ્યું નથી કે શું..

ભાજપને મદદ કરવા ઓફર
અજાણી વ્યક્તિએ ઉધના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાટીલને ફોન કરીને કહ્યું હતું કે તમારે ભાજપને સપાર્ટ કરવો જોઈએ. ત્યારે મહેન્દ્ર પાટીલે કહ્યું હતું કે તમને ખબર તો છે ને કે હું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું. ત્યારે સામેથી કહેવાયું કે હા, બધું જાણું છું. મારી જવાબદારી હોવાથી હું તમને ફોન કરી રહ્યો છું. મને ઉપરથી કહેવાયું છે તે પ્રકારના લવારા કરતાં ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે શરૂઆતમાં તો મહેન્દ્ર પાટીલે ચોખ્ખી ના પાડી તો ધમકીના સ્વરમાં પણ વાત કરવામાં આવી હતી.

મહેન્દ્ર પાટીલ દ્વારા તમામ ઓફરને હસી કાઢવામાં આવી હતી.
મહેન્દ્ર પાટીલ દ્વારા તમામ ઓફરને હસી કાઢવામાં આવી હતી.

સાંસદ બનાવવાની ઓફર
સુરતમાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર પાલિકાની ચૂંટણીમાં જીત્યા બાદ પક્ષ સ્થાનિક સ્તરે મજબૂત થયો છે, જેથી આ વખતે આપ દ્વારા ગુજરાતમાં 182 બેઠક પર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા છે. સુરતની 12 બેઠક પર પણ ઉમેદવાર ઊભા રખાયા છે. ત્યારે ઉધના બેઠક પર આપનું જોર ઓછું હોવા છતાં આપના ઉમેદવારને કોઈ અજાણ્યાએ ફોન કરી ભાજપ માટે સમર્થન માગવાની સાથે સાથે રાજ્યસભાના સાંસદ બનાવવાની વાત કરી હતી.

ઓફર સાંભળી ઉમેદવાર હસી પડ્યા
રાજ્યસભા સાંસદની ઓફર સાંભળીને ઉમેદવાર મહેન્દ્ર પાટીલ હસી પડ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે શું મજાક કરો છો. સવાર સવારમાં કોઈ તમને મારા સિવાય મળ્યું જ નથી કે શું,.સાથે જ તેમણે કહ્યું હતું કે હું કોઈ લાલચમાં આવવાનો નથી કે કોઈની ધાકધમકીથી પણ ડરવાનો નથી અને તમે કોણ બોલો છો તથા તમને કોણે મને ફોન કરવા કહ્યું, એ પ્રકારના સવાલો કરતાં જ અજાણ્યાએ કોઈ જવાબ આપ્યો નહોતો.

ભવિષ્ય બનશે એવી લાલચ અપાઈ
ઓડિયો કોલ પ્રમાણે, અજાણ્યાએ મહેન્દ્ર પાટીલને ફોન પર કહ્યું હતું કે તમારું ભવિષ્ય પણ આગળના સમયમાં બની જશે. ભાજપમાં રહેશો કે ભાજપને પાછલા બારણેથી મદદ કરવામાં જ ભલાઈ છે એ પ્રકારની વાતચીત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી.

મહેન્દ્ર પાટીલ હાલ ડોર ટુ ડોર પ્રચારમાં વધુ વ્યસ્ત રહે છે.
મહેન્દ્ર પાટીલ હાલ ડોર ટુ ડોર પ્રચારમાં વધુ વ્યસ્ત રહે છે.

પાટીલે કહ્યું, હું બોનસમાં જીવું છું
પૈસાની કે પદની કે ભવિષ્યની લાલચ આપનાર અજાણ્યાને મહેન્દ્ર પાટીલે કહ્યું હતું કે હું કોઈ ધાકધમકીથી ડરવાનો નથી. મેં મારું ભવિષ્ય બનાવી લીધું છું. મારી ઉંમર 50 વર્ષની થઈ ગઈ છે. 23 વર્ષી ઉંમરે ભગત સિંહ દેશ માટે શહીદ થઈ ગયા હતા. હું હાલ બોનસમાં જ જીવી રહ્યો છું. લોકોની થાય એટલી સેવા જ કરવાની છે.

અગાઉ કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચેલું
કંચન જરીવાલા ગાયબ હોવાની વાતો વહેતી થવા અંગે તેમનાં ભાભીએ જણાવ્યું હતું કે એ ક્યાં છે એ ખબર જ નથી. કોઈ સંપર્ક થતો નહોતો. ફોર્મ ભરવા ગયા હતા ત્યાંથી જ ગાયબ થઈ ગયા હોવાની વાત મળી હતી. ઘરે પરત આવ્યા જ ન હતા. માતાને પગે લાગીને ગયા એ ગયા, પછી આવ્યા જ નથી. આપમાંથી પણ કોઈ પૂછવા આવ્યું નથી. તેમણે પણ ઘરે કોઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નહોતો. બાદમાં ફોર્મ પરત ખેંચવાના દિવસે તેમણે ફોર્મ પરત ખેંચી લીધું હતું.

કોણ છે કંચન જરીવાલા?
કંચન જરીવાલા જરીના કામ સાથે જોડાયેલા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી તેમણે વોર્ડ નંબર 13માં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. અંદાજે 14,000 જેટલા મતો મેળવ્યા હતા અને આખી પેનલ જે કોંગ્રેસને હતી એ હારી ગઈ હતી. આ અગાઉ પણ તેઓ વર્ષો પહેલાં જનતા દળમાંથી કોર્પોરેશનમાં લડ્યા હતા અને અપક્ષમાંથી પણ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા હતા. કુલ અત્યારસુધીમાં તેઓ 3 ઇલેક્શન લડી ચૂક્યા છે. આ વખતે પ્રથમવાર તેઓ વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર જાહેર થયા હતા.

આપના ડમી ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું
સુરત પૂર્વ બેઠક પર એક પછી એક નવા ડ્રામેટિકલ સીન હજુ પણ સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ જે રીતે ગાયબ થઈ ગયા બાદ અચાનક જ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું, જેને લઇ આમ આદમી પાર્ટીના ડમી ઉમેદવાર સુરત પૂર્વમાંથી ચૂંટણી લડવાના હકદાર બને છે. સુરત પૂર્વના આપના ડમી ઉમેદવાર તરીકે સલીમ મુલતાનીએ ફોર્મ ભર્યું હતું, જોકે ગત રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો ત્યારે આ બેઠક પરથી આપના ડમી ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. આપના નવા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતાં વધુ એક પોલિટિકલ ગેમ સુરત પૂર્વ બેઠક પર સામે આવી છે.

રાજકીય પક્ષનો સિમ્બોલ ન મળતાં ફોર્મ પરત ખેંચ્યું
આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના ડમી ઉમેદવાર સલીમ મુલતાનીએ જણાવ્યું હતું કે અમારા પક્ષના મુખ્ય ઉમેદવાર કંચન જરીવાલા દ્વારા ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યું છે, જેને લઈ આ પક્ષમાંથી ડમી ઉમેદવાર તરીકે જેણે ફોર્મ ભર્યું હોય તેને સ્થાન મળે, પરંતુ નિયમ એવો છે કે જો કોઈ કારણોસર મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થાય તો ડમી ઉમેદવારને જે-તે રાજકીય પક્ષનું મેન્ડેટ અને પક્ષનું સિમ્બોલ સાથે આપોઆપ રજિસ્ટર થઈ જાય છે, પરંતુ જો મુખ્ય ઉમેદવાર સ્વૈચ્છિક રીતે પોતાનું ફોર્મ પરત ખેંચે છે તો તેની સાથે ઊભેલો ડમી ઉમેદવાર પણ પાર્ટીમાંથી ફોર્મ પરત ખેંચાયેલું માનવામાં આવે છે, જેથી તેના માટે પાર્ટીનું મેન્ડેટ માન્ય ગણાતું નથી અને રાજકીય પક્ષનો સિમ્બોલ પણ તેને મળતો નથી, જેને લઇ મારું ફોર્મ માન્ય તો રખાયું છે, પરંતુ મને આમ આદમી પાર્ટીનું ઝાડુનું ચિહ્ન મળી શકશે નહીં અને મારે અપક્ષની ચૂંટણી લડવી પડશે, જેથી મારા પક્ષના શિસ્ત નેતૃત્વ દ્વારા અપક્ષમાંથી ચૂંટણી ન લડવા માટે જણાવવામાં આવ્યું હતું, જેને લઇ પક્ષના નિર્ણયને માન્ય રાખી મેં આ બેઠક પરથી અપક્ષ તરીકે પણ મારું ફોર્મ પરત ખેંચી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...