માત્ર 630 ગ્રામ જેટલા ઓછા વજન સાથે જન્મેલા એક નવજાત શિશુની 2 મહિના આસીયુમાં સારવાર કરી તબીબોએ બચાવી લીધો છે. વરાછાના દંપતીના ગર્ભસ્થ શિશુનું વજન વધતું ન હોવાથી પ્રસૂતિ કરાવ્યા બાદ શિશુની સારવાર શરૂ કરવામાં આવી હતી. 2 મહિનાની ક્રિટીકલ સારવાર બાદ હવે બાળકનું વજન 1.30 કિ.ગ્રા થયું છે અને તે ખોરાક પણ લેતું થઈ જતાં તેને રજા આપવામાં આવી હતી. યોગીચોક વિસ્તારમાં રહેતા વિભુતીબેન કમલેશભાઈ પટેલ ગર્ભવતી થતાં તેમની વેડ રોડની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
જોકે ગર્ભસ્થ શિશુનું વજન 630 ગ્રામ સુધી પહોંચ્યા બાદ વધતું ન હતું. 1 કિલોથી વજન ઓછું હોય તેવા કિસ્સામાં બાળકના બચવાની શક્યતા રહેતી નથી જેથી તબીબોએ ચિંતા વ્યકત કરી પિડીયાટ્રિક ઈન્ટેન્સિવિસ્ટની સલાહ લેવા કહ્યું હતું. અનેક તબીબોને બતાવ્યા બાદ આખરે દંપતીએ ડો. યતિન માંગુકીયાનો સંપર્ક સાંધ્યો હતો.
આવા કેસમાં 10માંથી 1 કે 2 જ બાળકો બચતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને આ બાળકની આઈસીયુમાં સારવાર શરૂ કરાઈ હતી. હાલ બાળક નળી દ્વારા ખોરાક લઈ રહ્યું છે અને તેના વજનમાં પણ વધારો થઈ રહ્યો છે. ડો. માંગુકીયાએ જણાવ્યું કે આધુનિક ટેક્નોલોજીની મદદથી હવે આવા બાળકોને બચાવવું શક્ય બન્યું છે. આવનારા દિવસોમાં આવા કેસોમાં વધુ બાળકોને આપણે બચાવી શકીશું.
મોંઘી દવાઓથી પોષણ અને સારવાર અપાઈ
આવા કેસમાં બાળકની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય છે. ઘણીવાર હેમરેજ પણ થાય છે. બાળક માતાનું દૂધ પચાવી શકતું નથી. જેથી મોંઘી દવાઓની મદદથી પોષણ આપવાની સાથે સારવાર અપાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.