ઉધના દરવાજાથી ઘરે જવા રિક્ષામાં બેસી નિકળેલા વૃદ્ધ દંપતીને રિક્ષાચાલક અને તેના સાગરીતોએ ચાલુ રિક્ષામાં માર મારી લૂંટી લીધા હતા. બનાવ અંગે વૃદ્ધે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.ગોપીપુરા સુભાષ ચોક સહસ્ત્ર ફેણઆ જૈન દેરાસરની ગલીમાં પાર્શ્વનાથ બિલ્ડિંગમાં રહેતા મહેન્દ્રભાઈ કાન્તીલાલ પારેખ(68)અગાઉ સોની કામ કરતા હતા અને હાલ સાડીમાં સ્ટોન ચોટાડી ગુજરાન ચલાવે છે. ગઈ તા.7 જાન્યુઆરીએ પત્ની સાથે નવસારી કુળદેવીના દર્શન કરવા માટે ગયા હતા અને સાંજે પરત ફરી રહ્યા હતા. તેઓ ઉધના દરવાજા ઉતરી સુભાષ ચોક જવા રિક્ષામાં બેસી નીકળ્યા હતા.
દરમિયાન રિક્ષામાં અગાઉથી સવાર અને ડ્રાઈવરની આજુબાજુ તેમજ પાછળની સીટ પર બેસેલા અજાણ્યાઓએ તેમને ચાલુ રિક્ષાએ માર મારી ‘કાકા તમારા ગજવામાં જેટલા પણ પૈસા હોય આપી દો નહીતર તમને મારી નાંખીશુ’તેવી ધમકી આપી તેમનું પાકીટ ઝૂંટવી લઈ તેમાંથી રૂ.12500 લૂંટી લીધા હતા. તેમજ ફોન પણ છીનવી લીધો હતો.
જોકે, મોબાઈલ સાદો કિપેડ વાળો હોવાથી ગાળો આપી ‘આવો સાદો મોબાઈલ વાપરો છો’ તેમ કહી રિક્ષામાંથી મોબાઈલ ફોન પણ ફેંકી દીધો હતો. બાદ ડીકેએમ સર્કલ થઈ કોઈ મસ્જિદવાળી ગલીમાં સુમસાન જગ્યાએ ઉતારી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે વૃદ્ધે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.