સ્મીમેરમાં 42 કિલો વજન ધરાવતી મહિલાના પેટમાંથી 8 કિલોની કેન્સરની ગાંઠ કાઢીને મહિલાનો જીવ બચાવ્યો હતો. 46 વર્ષની મહિલાને થોડાં દિવસથી પેટમાં દુ:ખાવો રહેતા સ્મીમેરમાં દવા લેવા આવી હતી. તબીબોએ તપાસ કરતા કેન્સરની ગાંઠ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી સર્જરી કરવાનું નક્કી કરાયું હતું.
શુક્રવારે કેન્સર સર્જન ડો. ઘનશ્યામ પટેલની આગેવાનીમાં સ્મીમેરના ડો.રાજેશ ચંદનાની, ડો.જીગર, ડો.ઉત્કર્ષ, ડો.રીદ્ધી અને ડો.બીના પટેલ અને પેરા મેડિકલ સ્ટાફે 5 કલાક ઓપરેશન કરીને આ ગાંઠને બહાર કાઢી હતી. મહિલાનું વજન 42 કિલો હતું અને તેના પેટમાંથી 8 કિલોની ગાંઠ હતી.
આ ગાંઠ 30 સેમી લાંબી અને 20 સેમી પહોળી હતી. ગાંઠ કિટની ફરતે વિંટળાઈ ગઈ હતી. ડોક્ટરોએ પહેલા કિડની બહાર કાઢી ગાંઠને કાઢી ત્યાર બાદ ફરી કિડની લગાવી હતી. તબીબોના મતે આટલી મોટી સાઈઝની કેન્સરની ગાંઠ ભાગ્યે જ જોવા મળે છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે તો અંદાજે અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ સ્મીમેરમાં વિનામૂલ્યે ઓપરેશન થઈ ગયું હતું.
ઓપરેશન કરનાર કેન્સર સર્જન ડો.ઘનશ્યામ પટેલે કહ્યું હતું કે, ‘સામાન્ય રીતે આ પ્રકારની ગાંઠ અનેક દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ આટલી મોટી ગાંઠ રેર છે, તેનું ઓપરેશન પણ ક્રિટિકલ હોય છે. આ મહિલાનું ઓપરેશન કરતાં 5 કલાકનો સમય લાગ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.