નશાનો વેપારી ઝડપાયો:અમરોલી પોલીસે ડ્રગ્સમાં મોટી સફળતા મેળવી,એકને ઝડપી પાડી 2.176 કિલોનો 2.17કરોડનો MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરોલી પોલીસે 2.17 કરોડના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો. - Divya Bhaskar
અમરોલી પોલીસે 2.17 કરોડના MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો.

નશાખોરીની સામે સુરત પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. મુંબઈથી સુરતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ મામલે સુરત પોલીસે ડ્રગ્સ પેડલર પર વધુ એક વાર સકંજો કસ્યો છે. અમરોલી પોલીસે ગત મોડી રાત્રે સુરત શહેરના કોસાડ આવાસ માંથી અંદાજે બે કરોડથી વધુનો એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસની રેડ દરમિયાન આરોપીની દુકાન અને ગાડીમાંથી MD ડ્રગ્સ મળી આવ્યું હતું.

બે કરોડથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

હાલ વિધાનસભાની ચૂંટણી નો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય અને કોઈપણ પ્રકારની ગુનાખોરી ન થાય તે બાબતે સુરત શહેર પોલીસે ગુનાખોરી કરતા અને અસામાજિક પ્રવૃત્તિ કરનારા ઇસમો વિરુદ્ધ કડકાઇથી કાર્યવાહી કરવાનું આયોજન કર્યું છે. જે અંતર્ગત સુરત પોલીસના અમરોલી પોલીસ સ્ટેશનના માણસોને મળેલી બાતમીના આધારે, કોસાડ આવાસ માં આવેલ શોપિંગ સેન્ટર ની દુકાન નંબર 29 માં ડીસીપી કક્ષાના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ રેડ કરવામાં આવી હતી. જેમાં આ દુકાનમાં તેમજ પાર્કિંગમાં રાખેલી ઇકો કારમાંથી 2.176 કિલોગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની સાથે ડ્રગ્સ વેચાણના બે લાખ 68 હજાર રૂપિયા રોકડા તેમજ બે મોબાઈલ મળી આવ્યા હતા, પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ એમડી ડ્રગ્સ ની કિંમત બે કરોડ 17 લાખ રૂપિયા જેટલી છે.

પોલીસે લાજપોર જેલમાં બંધ આરોપીના ભાઈને ડ્રગ્સનો કારોબાર કરતા ઝડપી પાડ્યો

પોલીસના હાથે ઝડપાયેલા આરોપી મુબારક બાંડીયા જે મૂળ ભરૂચના જંબુસરનો રહેવાસી છે. જે અગાઉ અમરોલી પોલીસના હાથે દારૂના ગુનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે. મુબારક બાંડીયાની પૂછપરછ કરતા આ ડ્રગ તેને મુંબઈ ખાતે રહેતા શર્મા નામના વ્યક્તિએ મોકલ્યું હતું. સુરત પોલીસે હાલ આ શર્મા નામક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. તેમજ તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં પકડાયેલા આરોપી મુબારકની આ કેસમાં સંડોવણી જોતા તેનો ભાઈ મુસ્તાક ઉર્ફે એસટીડી પટેલ જે પણ અગાઉ એનડીપીએસના કેસમાં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. અને હાલ સુરતની લાજપોર જેલ ખાતે બંધ છે. મુબારકનો ભાઈ જેલમાં જવાના કારણે તેનો ડ્રગનો ધંધો તે પોતે સાચવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ડ્રગ્સ સુરતમાં કોને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસની તપાસ

હાલ સુરત પોલીસે આ કેસમાં મુબારક ની ધરપકડ કરીને તેની પાસેથી બે કરોડથી વધુનો એમડી ડ્રગ્સ કબજે કરી તેને ડ્રગ્સ મોકલનાર આરોપીને પકડવાના માટે ટીમ બનાવીને રવાના કરી છે. તો બીજી તરફ મુબારક આ ડ્રગ સુરતમાં કોને સપ્લાય કરતો હતો અને કયા વિસ્તારમાં તેનો મુખ્ય ધંધો હતો તે દિશામાં સુરત પોલીસ તપાસ કરી રહી છે.

અમરોલી પોલીસ ટીમને પોલીસ કમિશનરે આપ્યું વિશેષ ઇનામ

સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાંથી એમડી ડ્રગ્સના કારોબારને જળમુળ થી ખતમ કરવાની મુહિમ છેડી છે .દરમિયાન સુરતની અમરોલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ મોટા એમડી ડ્રગ્સના જથ્થા અને કારોબારીને લઈ સુરત પોલીસ કમિશનરે પણ આ કામગીરીને વધાવી હતી.જેને લઇ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા અમરોલી પોલીસની ટીમ માટે વિશેષ ઇનામની જાહેરાત કરી હતી.પોલીસ કમિશનર દ્વારા ડ્રગ્સ ની માહિતી આપનાર પોલીસ કર્મચારીને 25000 રોકડ ઇનામ જાહેરાત કરીને તેમના હસ્તે આપ્યું હતું.તો આ સાથે પોલીસ કર્મી માહિતી લાવ્યા બાદ સફળતાપૂર્વક સમગ્ર ઓપરેશનને પાર પાડનાર અમરોલી પોલીસ ટીમને પોલીસ કમિશનર દ્વારા 50000 રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી.આમ સુરતમાં ડ્રગ્સ સામે પોલીસની પણ ગંભીરતા બની રહે અને તેમને પણ પ્રોત્સાહન મળી રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારે ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...