અંગદાન:સુરતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે અંગદાન, ફાઈનાન્સ કંપનીના મેનેજરના લિવર અને ચક્ષુથી 3ને નવું જીવન અપાયું

સુરત8 મહિનો પહેલા
બ્રેઈનડેડ થયેલા પરેશભાઈ(ઈન્સેટમાં ફાઈલ તસવીર)ના અંગોનું દાન કરવામાં આવ્યું હતું.
  • લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિમાં કરાયું

કોરોના મહામારીની બીજી લહેરમાં સુરતમાંથી પ્રથમવાર અંગદાન થયું છે. જૈન સુડતાલીસ શ્રીમાળી સમાજના બ્રેઈનડેડ પરેશભાઈ ચંદુલાલ શાહના અંગોનું દાન કરાયું છે. જેથી ત્રણ વ્યક્તિને નવું જીવન મળી શકે તેમ છે. ફાઈનાન્સ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતાં પરેશભાઈ શાહના લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવતાં 3 વ્યક્તિના જીવન ફરી નવજીવન થઈ શક્યાં છે.

પગાર લેવા ગયા ત્યારે પડી ગયા હતા
મજુરાગેટ પાસે આવેલ બોથરા ફાઈનાન્સ લિ.માં મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ કોવિડ મહામારીને કારણે થોડા સમયથી રજા ઉપર હતા. બુધવાર તા.12 મે ના રોજ પરેશભાઈ તેમની પત્ની પદ્માબેન સાથે આ કંપનીમાં તેમનો પગાર લેવા માટે ગયા હતા. પગાર લઈને તેઓ ઓફીસમાંથી નીચે ઉતરતા હતા ત્યારે ચક્કર આવવાથી પડી ગયા હતા. તેમજ તેમને ઉલ્ટી થતા તેઓને તાત્કાલિક બાજુમાં આવેલ નિર્મલ હોસ્પિટલમાં ઓફીસ સ્ટાફની મદદથી ડો.ગૌરીશ ગડબૈલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતાં મગજની નસો ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.

પરિવારે અંગદાનની પરવાનગી આપી
13 મેના રોજ ન્યુરોફિજીશિયન ડૉ.સિદ્ધેશ રાજાધ્યક્ષ, પીડીયાટ્રીક ડૉ. નિર્મલ ચોરરિઆ, મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ.ગૌરીશ ગડબૈલ અને ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.માધવી ગોંડાએ પરેશભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતો.જેથી ડોનેટ લાઈફે અંગદાન અંગે પરેશભાઈના પુત્ર દેવાંગ તેમના જમાઈ ચિરાગ દોશી, ભાઈ પ્રકાશભાઈ શાહ, બનેવી યશવંતભાઈ શાહ સાથે ટેલીફોનીક ચર્ચા કરી અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. દેવાંગ, ચિરાગ, પ્રકાશભાઈ અને યશવંતભાઈએ પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી નક્કી કર્યું કે અમારું સ્વજન તો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે કોવિડ-19 ની મહામારીના સમયમાં જયારે દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછુ છે ત્યારે પરેશભાઈના અંગોના દાન દ્વારા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાનો નિર્ણય લીધો. પરિવારને સમજાવવા પરેશભાઈના ભાઈ પ્રકાશભાઈનું ખુબજ મહત્વનું યોગદાન રહ્યું હતું.

વડોદરાના રહેવાસીને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી ૬૪ વર્ષીય વ્યક્તિ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી લિવરસીરોસીસની બીમારીથી પીડાતા હતા તેમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત નિર્મલ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનો 280 કી.મીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસનો સહકાર આપ્યો હતો.