કોટ વિસ્તારમાં મેટ્રોની કામગીરીના લીધે ઘણા મુખ્ય માર્ગ બંધ હોવાથી વૈકલ્પિક રોડ પરના દબાણોના લીધે ટ્રાફિક જામ રહે છે. ગુરૂવારે સેન્ટ્રલ ઝોને ખાણી-પીણીની લારીના દબાણને દૂર કરવા કવાયત કરી હતી. આ દરમ્યાન સગરામપુરા તલાવડી ખાતે લારી-ગલ્લાવાળાઓએ વિરોધ કરી પાલિકા કર્મીઓ સાથે ધક્કામુક્કી કરતાં પોલીસ બોલાવી દબાણ દૂર કરવા પડ્યા હતાં. ચોકબજાર સાગર હોટલ અને કમાલગલીના લારી-ગલ્લા કાર્યવાહી પહેલાં જ થોડા સમય માટે હટાવી લેવાયાં હતાં.
પુણા-સીમાડાના વ્રજભૂમિ સેક્ટર-2માં પણ બુલડોઝર ફરી વળ્યું
વરાછા ઝોન-બી દ્વારા ટીપી સ્કીમ નં-68 પુણા-સીમાડા ખાતે વ્રજભૂમિ સેક્ટર-2માં આવે નંદનવન બિલ્ડિંગ નં-A4 વાળી મિલકતમાં પરવાનગી વગર બાલ્કનીનું નિર્માણ કરાયું હતું. આ અંગે ફરિયાદ મળતાં પાલિકાએ નોટિસ ફટકારી હતી. જોકે મિલકતદારે કોઇ ખુલાસો નહીં કરતાં પાલિકાએ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું્ હતું.
કતારગામ HC પાસેના દાયકા જૂનાં દબાણ ધ્વસ્ત
કતારગામ હેલ્થ સેન્ટરથી અંબિકા અને ગાયત્રી નગર તરફ જતા રોડ પર દુકાન-મકાનોએ દબાણ કર્યાં હતાં. ઓટલા સહિતના શેડ બનાવી દેતા બોટલનેક થઈ ટ્રાફિક જામ થતો હતો. આ સ્થિતિ છેલ્લા 10 વર્ષથી હતી. ગુરૂવારે પાલિકાએ રોડ તરફ નીકળેલા ઓટલા, કાચા-પાકા શેડ મળી 10 દુકાનોનું ડિમોલીશન કરી 2400 ચોફૂટનો કબજો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.