કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. શહેરમાં ગત રોજ કોરોનાના નવા 4 કેસ સામે આવ્યાં હતાં. જેથી કોરોનાનો આંકડો વધીને 1,44,078 પર પહોંચી ગયો છે. જ્યારે બીજી તરફ કોરોનાને રોકવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેસ્ટિંગ અને વેક્સિનેશન તેજ કરી દેવામાં આવ્યું છે.તેમજ નિયમો પણ કડક કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના વાલીઓના વેક્સિન સર્ટીની સાથે સાથે મુંબઈથી આવતાં મુસાફરોના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આજ રોજ 171 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.
પોઝિટિવ કેસનો આંક 1,44,078 પર પહોંચ્યો
શહેરમાં 3 અને જિલ્લામાં 1 કેસ સાથે શહેર જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144078 થઈ ગઈ છે. ગત રોજ એક પણ મોત નોંધાયું નહોતું. જેથી શહેર જિલ્લામાં મૃત્યુઆંક 2117 છે. રવિવારે શહેરમાંથી 7 અને જિલ્લામાં 2 મળી કુલ 9 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141939 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 22 થઈ છે.
રસીકરણ અભિયાન તેજ કરાયું
કોરોના સંક્રમણ સામે લોકોને ઝડપથી રસી મળી જાય તે હેતુથી પાલિકા દ્વારા પ્રયાસો યથાવત રાખવામાં આવ્યાં છે. આજે શહેરમાં પ્રથમ ડોઝ કોવિશિલ્ડ માટે 25 સેન્ટર જ્યારે બીજા ડોઝ માટે 133 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જનારા લોકો માટે 2 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. સાથે જ કોવેક્સિન રસી લેનારા માટે 11 સેન્ટર કાર્યરત છે. આમ કુલ 171 સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.