ટીવી શોમાં ડિબેટ દરમિયાન ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઈને દેશભરમાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઘણી જગ્યાએ વિરોધ હિંસામાં પણ તબદિલ થયો છે. નૂપુર શર્મા સામે સખત પગલાં લેવાની માગ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં હિન્દુ સંગઠનો અને બહ્મ સમાજ દ્વારા નૂપુર શર્માને સમર્થન મળી રહ્યું છે. પરશુરામ ગાર્ડન ખાતે બ્રાહ્મણ સમાજના યુવાનો અને વડીલો તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહીને નૂપુર શર્માને સમર્થન આપી રહ્યા છે.
લઘુમતી સમાજમાં રોષ
નૂપુર શર્માએ આપેલા નિવેદનને કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ દેશભરનાં મુસ્લિમ સંગઠનો દ્વારા નૂપુર શર્માનો અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. નૂપુર શર્મા સામે જે રીતે મુસ્લિમ સમાજ પોતાનો રોષ ઠાલવી રહ્યો છે ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા હવે નૂપુર શર્માના પડખે આવીને ઊભા રહ્યા છે.
નૂપુર સાથે ઊભા રહીશું-સમાજ
બ્રાહ્મણ સમાજના યુવા અગ્રણી મોનલ ઠાકરે જણાવ્યું હતું કે નૂપુર શર્માએ આપેલા નિવેદનમાં કોઈ જ ભૂલ ન હતી. જે પણ લખવામાં આવ્યું છે એ જ પ્રકારની વાત તેણે કરી હતી છતાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને. જે રીતે હાલ તેમને મુંબઇ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે, સાથે દેશમાં જે રીતે ખોટા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે એની સામે કાયદાકીય પગલાં લેવાની માગ કરી રહ્યા છે. એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે લોકો નૂપુર શર્માના સમર્થન માટે રસ્તાઓ પર ઊતરી જઈશું. દેશની અખંડિતતા માટે અમે નૂપુર શર્મા સાથે ઊભા રહીશું.
મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ
સુરતના બ્રિજ પર નૂપુર શર્માના ફોટો સાથેના પોસ્ટર લગાવીને વિરોધ કરાયા બાદ મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા ક્લેક્ટર કચેરીએ કટ આઉટ સાથે નારેબાજી કરીને આવેદનપત્ર અપાયું હતું. ત્યારે હવે નૂપુર શર્માનો સુરતમાં એક તરફ વિરોધ અને બીજી તરફ સમર્થન મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.