હુમલો:બારડોલીથી દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થતાં પરિવારજનોને એમ્બ્યુલન્સના ડ્રાઈવરને માર માર્યો

સુરતએક વર્ષ પહેલા
કોરોનાગ્રસ્ત દર્દીના મોત બાદ સંબંધીઓએ એમ્બ્યુલન્સના ડ્રાઈવર પર હાથ ઉપાડ્યો હતો. - Divya Bhaskar
કોરોનાગ્રસ્ત દર્દીના મોત બાદ સંબંધીઓએ એમ્બ્યુલન્સના ડ્રાઈવર પર હાથ ઉપાડ્યો હતો.
  • દર્દીના સંબંધીઓએ એમ્બ્યુલન્સ ડ્રાઈવરને માર માર્યાની ઘટના CCTVમાં કેદ

કોરોના સંક્રમણ હાલ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વિસ્તરી રહ્યું છે. સુરત જિલ્લાના બારડોલીની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીનું મોત થયું હતું. જેથી પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતાં. ગુસ્સે ભરાયેલા મૃતકના પરિવારજનોએ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને માર માર્યો હતો. બાદમાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જો કે આખરે સમાધાન થતાં ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું.

દર્દીના મોત બાદ ઉશ્કેરાયેલા સંબંધીઓએ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને આડેહાથ લીધો હતો.
દર્દીના મોત બાદ ઉશ્કેરાયેલા સંબંધીઓએ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને આડેહાથ લીધો હતો.

દર્દીને શિફ્ટ કરતી વખતે મોત થયું હતું
બારડોલીની જાણીતી હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું નક્કી થયું હતું. દર્દીને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યાં હતાં. એ દરમિયાન 52 વર્ષિય દર્દીનું મોત થયું હતું. જેથી મૃતકના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતાં. ગુસ્સામાં લાલચોળ થઈ ગયેલા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવરને માર માર્યો હતો.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ
હોસ્પિટલના પરિસરમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરને મૃતક દર્દીના સંબંધીએ મારવા લીધો હોવાના સમગ્ર દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયાં હતાં. બાદમાં દર્દીના સંબંધીઓ અને ડ્રાઈવર સહિતના લોકો બારડોલી પોલીસ મથકે પહોંચ્યાં હતાં. જો કે, આખરે બન્ને પક્ષો વચ્ચે સમાધાન થયું હોય તેમ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.