દંપતીનું કારસ્તાન:સુરતમાં અમરોલીના કાપડના કારખાનેદારને 23.14 લાખનો ચૂનો ચોપડ્યો, દંપતી રાતોરાત ફરાર

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમરોલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
અમરોલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • દલાલ હસ્તક રીંગરોડની મિલેનીયમ માર્કેટના દંપતીએ ખરીદી કરી
  • શરૂઆતમાં પેમેન્ટ સમયસર ચુકવી વિશ્વાસ કેળવ્યો હતો

સુરતમાં અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાપડના કારખાનેદાર સાથે 23.14 લાખની દંપતીએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ડિસેમ્બર 2020માં રૂ. 23.14 લાખનું ગ્રે કાપડ ખરીદી આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી રાતોરાત દુકાન બંધ કરી ભુગર્ભમાં ઉતરી જનાર દંપતી અને દલાલ વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.

19.55 લાખનું પેમેન્ટ સમયસર ચુકવી દીધું હતું
અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કીયા ઇન્ટરનેશનલ નામે કાપડનું કારખાનું ધરાવતા અંકીત મોહન મોડીયાનો વર્ષ 2020માં દલાલ ધર્મેશ મણીલાલ વેલવાન સાથે સંપર્ક થયો હતો. તેના હસ્તક રીંગરોડની મિલેનીયમ માર્કેટમાં આરના ફેશન નામે ધંધો કરતા દંપતી અરવિંદ ઉર્ફે અતુલ ભગવાન વઘાસીયા અને તેની પત્ની ચેતના વઘાસીયા સાથે પરિચય થયો હતો. ધર્મેશે સમયસર પેમેન્ટ ચુકવવાની ખાત્રી આપતા અંકીતે 2020ના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન રૂ. 19.55 લાખનું ગ્રે કાપડનો માલ અરવિંદને વેચાણ કર્યો હતો અને તેનું પેમેન્ટ પણ સમયસર ચુકવી આપ્યું હતું.

રાતોરાત દુકાનને તાળા મારી ભુગર્ભમાં ઉતરી ગયા
2020ના ડિસેમ્બર મહિનામાં રૂ. 23.14 લાખનું ગ્રે કાપડ ખરીદ્યું હતું. તેનું પેમેન્ટ આજ દિન સુધી નહીં ચુકવી વઘાસીયા દંપતી રાતોરાત દુકાનને તાળા મારી ભુગર્ભમાં ઉતરી ગયા હતા. જેને પગલે અંકીતે દંપતી અને દલાલ ધર્મેશ વિરૂધ્ધ અમરોલી પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...