છેતરપિંડી:અમરોલીના ઠગે ક્રેડિટ પર એસી-ફ્રિજ લઇ 5 વેપારીને દોઢ કરોડમાં નવડાવ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાડાની દુકાન રાખીને 10 દિવસની ક્રેડિટ પર ઇલેક્ટ્રોનિક્સનો સામાન લીધો
  • ઠગ સહિત 4 આરોપીઓ સામે ક્રાઇમબ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ કરાઇ

અમરોલી વિસ્તારમાં ઠગે ભાડેથી ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચાલુ કરીને 5 વેપારીઓ પાસેથી 10 દિવસની ક્રેડિટ પર ઇલેક્ટ્રોનિક્સનો માલ લઇ દોઢ કરોડનું પેમેન્ટ નહીં કરીને દુકાન બંધ કરીને નાસી જઈ સાગરિતો સાથે મળીને છેતરપિંડી કરી હતી.ક્રાઈમ બ્રાંચના સૂત્રોના જણાવ્યા અનુસાર વરાછામાં લમ્બે હનુમાન રોડ પર ઝોન ઓફિસની સામે માનસી પેલેસમાં રહેતા હિતેશ દેવચંદ વેકરિયા ખાંડબજાર પાસે પોદ્દાર આર્કેડમાં રામદેવ એરકન્ડીશનના નામથી એસીનો વેપાર કરે છે.

આરોપી આનંદ દિનેશ લાખાણી(મહાવીર નગર સોસાયટી, અમરોલી)છાપરાભાઠા રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં ભાડેથી મહાદેવ સેલ્સ નામથી ઇલેક્ટ્રોનિક્સ સામાનનો વેપાર કરે છે. આરોપી આનંદે ફરિયાદી હિતેશ વેકરિયાને જણાવ્યું કે તેને ક્રેડિટ પર એસી આપશો તો દસેક દિવસમાં પેમેન્ટ કરી દેશે. હિતેશ વેકરિયાએ 36.67 લાખના એસી આપ્યા હતા. તે પૈકી માત્ર 11.11 લાખ રૂપિયા આરોપી આનંદે આપ્યા હતા. બાકીના રૂપિયા આપ્યા નહતા. તેની દુકાને જઈને તપાસ કરતા તે દુકાન-મકાન બંધ કરીને નાસી ગયો હતો.

અન્ય વેપારીઓમાંથી જાણવા મળ્યું કે મહિધરપુરામાં ન્યુ સુરત ઇલેક્ટ્રોનિક્સના ઘનશ્યામ ચોખાવાલા પાસેથી 82.70 લાખ રૂપિયાના એસી-વોશિંગ મશીન તથા ફ્રિજ,દિલ્હીગેટ પાસે આવેલા સુરત રેફ્રિજરેશન એન્ડ એન્જિનિયરિંગ કંપનીના વેપારી પૌરસ ઘડિયાલી પાસેથી 14.34 લાખ રૂપિયાના એસી, ઉધનાના પ્રથમ એન્ટરપ્રાઈઝના ઉદય વડગુજર પાસેથી 28.16 લાખ રૂપિયાના એસી,ભાટપોર જીઆઈડીસીના ક્યુબ વન નેટવર્કના સુરેન્દ્રભાઈ પટેલ પાસે 10.88લાખ રૂપિયાના ટીવી ક્રેટિડ પર ખરીદી રૂપિયા ચૂકવ્યા ન હતા.

લાખો રૂપિયાનો માલ પરત મેળવી લેવાયો
આનંદે જેને માલ આપ્યો હતો તે તપાસતા ત્રણેક જગ્યા પરથી લાખોના એસી.ટીવી,ફ્રિજ પરત મેળવી શક્યા હતા. બાકી 1 કરોડ 50 લાખનો માલ આનંદે મનિષ ચાવડા, અમિત ભાયાણી, વિપુલ દિલીપ પટેલને આપ્યો હતો. તેઓએ માલ પરત આપ્યો નહતો. હિતેશે આરોપીઓ આનંદ, વિપુલ, મનિષ અને અમિત વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...