અમેરિકાથી ચાર દિવસ પહેલા સંબંધીને ત્યાં આવેલા એનઆરઆઈ યુવકે સાતમા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતાં પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવક ઘરમાં હતો ત્યારે સંબંધીઓને કહ્યું હતું કે હું કૂદી રહ્યો છે ને ગેલરીમાંથી કૂદી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે માતા-પિતા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા યુવકને ઈન્ડિયા ન થવા માટે કહેતા હતા છતાં તે ભારત આવ્યો હતો.
અચાનક જ ગેલરીમાં પહોંચી કૂદી ગયો
અમેરિકા ખાતે રહેતા 38 વર્ષીય એનઆરઆઇ દીપેશભાઈ રમણલાલ પંજાબી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ બિઝનેસ કરતો હતો. ચાર દિવસ પહેલાં જ દીપેશભાઈ તેમના કાકા બીમાર હોવાના કારણે તેમની ખબર અંતર પૂછવા માટે સુરત આવ્યો હતો. સોમવારે તે સિટીલાઈટના આર્જવ ટાવર ખાતે તેમના સંબંધીના ઘરમાં આંટાફેરા મારી રહ્યો હતો. દરમિયાન અચાનક જ તેણે બારીની બહાર નજર કરી "હું અહીંથી કૂદી કહ્યો છું" એમ કહીને નીચે પડતું મૂકી દીધું હતું.
બારીમાથી કૂદતાં પતરાંનો ભાગ પકડ્યો, પણ...
બારીમાંથી કૂદ્યા બાદ તેણે બહારના ભાગે પતરાંનો ભાગ પકડી લીધો હતો, જેથી ઘરના સભ્યોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો હાથ છટકી જતાં તે નીચે પટકાયો હતો, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
માતા-પિતાની મનાઈ છતાં ઈન્ડિયા આવ્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં દીપેશભાઈ માનસિક બીમાર હોવાથી તેનાં લગ્ન પણ કરાવવામાં આવ્યાં નહોતાં, જેથી માનસિક બીમારીમાં તેણે આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે દીપેશની બહેન અને માતા-પિતા અમેરિકામાં રહે છે. દીપેશ પણ ત્યાં રહેતો હતો. જોકે તેનાં માતા-પિતા દીપશને ઇન્ડિયા જવાની ના પાડતાં હતાં, પણ તે ઇન્ડિયા આવ્યો હતો. તે પુણેથી સુરત રહેતા સંબંધીના ઘરે આવ્યો હતો.
પોલીસે યુવકનાં માતા-પિતા સાથે વાત કરી
દીપેશના મૃત્યુ બાદ પોલીસે અમેરિકા રહેતાં દીપેશનાં માતા-પિતા સાથે વાત કરી હતી. તેમણે દીપેશ માનસિક બીમારીથી પીડાતો હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વધુમાં જણાવ્યું હતું કે તેને તેમણે ભારત જવા માટે ના પાડી હતી છતાં તે ભારત પહોંચી ગયો હતો. ત્યાર બાદ તેના મૃત્યુના સમાચાર મળ્યા હતા. હાલ તો દીપેશનો મૃતદેહ સગાંસંબંધીઓને સોંપી દેવામાં આવ્યો છે.
વરાછામાં યુવતીએ હાથ પર ચિત્ર દોરી ફાંસો ખાધો
વરાછામાં રહેતી યુવતીએ હાથ પર ચિત્ર દોરીને તેમજ એક ચિટ્ઠી લખી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં વરાછામાં આવેલા લંબે હનુમાન રોડ પર નીલકંઠ સોસાયટીમાં રહેતાં કલ્પનાબેન જીવનભાઈ જાદવ મૂળ અમરેલીના સાજણાવાવ ગામનાં વતની છે. કલ્પનાબેન ઘરકામ કરે છે. પરિવારમાં ત્રણ ભાઈ છે. પિતાનું ઘણા સમય પહેલાં અવસાન થઈ ગયું હતું. કલ્પનાબેન માનસિક બીમારીથી પીડાઈ રહ્યાં હતાં. હાલ તેમની દવા પણ ચાલતી હતી.
40 પાનાં પર 40 વાર ‘Welcome 2023’ લખી આપઘાત
મૂળ ઓરિસ્સાની વતની સંધ્યારાની ઉર્ફે દિયા રામકૃષ્ણ જૈના (ઉં.વ.17) વર્ષોથી સુરતમાં રહેતી હતી. પરિવારમાં માતા, એક બહેન અને એક ભાઈ છે. એમાં સંધ્યારાની સૌથી મોટી હતી. 31 ડિસેમ્બર એટલે થર્ટીફસ્ટની રાત્રે સંધ્યારાનીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. તેની માતા વેસુની કોલેજમાં સાફસફાઈનું કામ કરે છે. તે કામ પરથી આવી ત્યારે દરવાજો બંધ હતો. પાડોશીઓની મદદથી દરવાજો તોડ્યો ત્યારે સંધ્યારાની ફાંસો ખાઘેલી હાલતમાં મળી આવી હતી. પોલીસને જાણ કરાતાં હેડ કોન્સ્ટેબલ સંદીપ પાંડડિયા સ્ટાફ સાથે બનાવના સ્થળે પહોંચ્યા હતા.
પ્રેમમાં નિષ્ફળ જતાં આપઘાત કર્યાની આશંકા
તે સિલાઈકામ કરતી હતી. તેણે શા માટે આત્મહત્યા કરી એ વિશે કોઈને જાણ નથી, પરંતુ તેના રૂમમાં પોલીસે તપાસ કરી ત્યારે રૂમમાંથી પેપરનાં 40 પાનાં મળ્યાં હતાં. દરેક પાના પર વેલકમ 2023, બાયબાય 2022 એવું લખેલું હતું. તેથી પોલીસને શંકા છે કે તેણે કદાચ પ્રેમમાં નિષ્ફળતા મળી હોય એટલે આત્મહત્યા કરી હોય. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 10 મહિના પહેલાં જ સંધ્યારાનીના પિતાનું અવસાન થયું હતું. પિતાના મોત બાદ પરિવારની જવાબદારી તેની માતા અને તેના પર આવી હતી.
સુરત નોકરી માટે આવેલા યુવકનો આપઘાત
ઓરિસ્સાથી અઠવાડિયા પહેલાં જ નોકરીધંધા માટે સુરત આવેલા 18 વર્ષીય યુવકને સુરતમાં રહેવાનું ગમતું ન હોવાથી હતાશામાં આવી જઇ આપઘાત કરી લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મૂળ ઓરિસ્સાનો વતની નાગેન્દ્ર પ્રભાત સામંતરાય (ઉં.વ.18) અઠવાડિયા પહેલાં જ સુરત નોકરીધંધા માટે આવ્યો હતો. તે સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સત્યનારાયણ નગર ખાતે વતનના લોકો સાથે ભાડાની રૂમમાં રહેતો હતો. નાગેન્દ્રએ શનિવારે રાત્રે તેની રૂમમાં લોખંડની એંગલ સાથે કપડું બાંધી ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે તપાસ કરતા સચિન જીઆઇડીસી પોલીસ મથકના એએસઆઇ પ્રવીણભાઇ પાટીલે જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલાં જ નાગેન્દ્ર વતન ઓરિસ્સાથી સુરત આવ્યો હતો અને હમવતનીઓ સાથે રહેતો હતો. નોકરીધંધા માટે આવેલા નાગેન્દ્રને સુરતમાં રહેવાનું ફાવતું ન હોવાથી તેણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.