સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા 69 મહિના બાદ ગલેમંડી શાકભાજી માર્કેટના 8થી વધુ ઓટલા ધારક શાકભાજીવાળાને નોટીસ ફટકારી રૂા.25875ની બાકી સ્ટોલ ફી એક સાથે ભરવા જણાવતા વિવાદ ઉભો થયો છે. સૌથી મહત્વની વાત એ છે કે, જેના નામની નોટીસો નિકળી છે તે ઓટલાધારકો ગલેમંડી શાકભાજી માર્કેટમાં ધંધો કરતા જ નથી.
વર્ષોથી તેઓ લાલદરવાજા સ્થિત શાકભાજી માર્કેટમાં બેસે છે અને ત્યાં નિયમિત પાલિકાને ફી પણ ચુકવે છે. પરંતુ સેન્ટ્રલ ઝોનના ચોપડે ગલેમંડીમાં તેઓને સ્ટોલ ફાળવી હોવાની નોંધણી થઇ છે. જો કે લાભાર્થીઓને ગલેમંડી શાકમાર્કેટમાં સ્ટોલની ફાળવણી ક્યારે થઇ તેની ખબર નથી. તેઓએ ગલેમંડી શાકમાર્કેટમાં અત્યાર સુધી કબ્જો પણ લીધો નથી. આગામી દિવસમાં આ મામલે તેઓ પાલિકા કમિશનરને રજૂઆત કરવા આવનાર છે.
નોંધનીય છે કે, ઓટલાધારક શાકભાજીવાળાઓને જુલાઇ 2016થી માર્ચ 2021 અને નાણાકીય વર્ષ એપ્રિલ 2021થી માર્ચ 2022એમ કુલ 69 માસની સ્ટોલ ફી ભરવા નોટીસ અપાઇ છે. પ્રતિ માસ રૂા.375 સ્ટોલ ફી છે. 69મહિનાની રૂા.25975ની રકમ એક સાથે કાઢી 3 દિવસમાં પેમેન્ટ કરવા સેન્ટ્રલ ઝોન દ્વારા નોટિસ ફટકારતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
‘મારી પાસે આવી કોઈ ફરિયાદ આવી નથી’
આ મામલે સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી મહેન્દ્ર પટેલ જોડે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘હાલ હું રજા પર છું, ફરજ પર હાજર થયાં બાદ જોઇશ તો ખબર પડશે. હાલ તો મારા સુધી આવી કોઇ ફરિયાદ આવી નથી.’ જોકે બીજી તરફ જે ઓટલાધારકોને ગલેમંડીના નામે પાલિકાએ નોટિસ ફટકારી છે તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારે તેમને આ ઓટલા ફાળવાયા નથી તો કેવી રીતે નોટિસ મોકલી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.