તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Alpesh Kidecha, Who Created A Web Series By Dipping Investors' Money In Surat, Used To Bottle People In One Or Two Visits.

મહાઠગબાજ:સુરતમાં રોકાણકારોના રૂપિયા ડુબાડી વેબસિરીઝ બનાવનાર અલ્પેશ કિડેચા એક-બે મુલાકાતમાં જ લોકોને બાટલીમાં ઉતારી દેતો

સુરત19 દિવસ પહેલાલેખક: આશિષ મોદી
  • કૉપી લિંક
અલ્પેશ કિડેચા પોતાના કાર્યક્રમમાં રાજકીય નેતાઓને પણ બોલાવતો હતો. - Divya Bhaskar
અલ્પેશ કિડેચા પોતાના કાર્યક્રમમાં રાજકીય નેતાઓને પણ બોલાવતો હતો.
  • અલ્પેશ વિશ્વાસ અપાવતો કે રૂપિયા ન મળે તો ધોલેરામાં પ્લોટ અપાવીશ

સુરતના વરાછા વિસ્તારમાં રોકાણકારોને એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ આપીને રોયલ વ્યૂ એકે ગ્રુપ દ્વારા લોકો સાથે લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. રોકાણકારોને ડુબાડી વેબસિરીઝ ફિલ્મ બનાવનાર મહાઠગબાજ અલ્પેશ કિડેચાએ લોકોના ગાળિયા કરવામાં પાવરધો છે. તે રોકાણકારોને આકર્ષવા ડાયરાનું પણ આયોજન કરતો હતો. કોઈ રોકાણકારને એક-બે મુલાકાતમાં તો કોઈને 3-4 મુલાકાતમાં બાટલીમાં ઉતારી રૂપિયા પડાવ્યા હોવાનું રોકાણકારો કહી રહ્યા છે. કોઈએ બચતના રૂપિયા તો કોઈએ દીકરીના ભવિષ્ય માટે કરેલી બચતના રૂપિયા તો કોઈએ માતા-પિતા પાસેથી લીધેલી રકમ ગુમાવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

15 ટકા નફાની લાલચ અપાતી હતી
વિનયકુમાર સુરેશચંદ્ર ભરૂચવાળાએ જણાવ્યું હતું કે તેઓ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવી માતા, પત્ની અને બાળકનું ગુજરાન ચલાવી રહ્યા છે. હું તો અલ્પેશ કિડેચાના સીધા સંપર્કમાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં અલ્પેશની મોટી મોટી જાહેરાતો જોઈ પ્રભાવિત થયો હતો. ઉપરાઉપરી બેવાર મીટિંગ કરી, આખા પ્રોજેકટ વિશે સમજાવ્યું હતું. મારે તો ફોરેકસમાં જ રોકાણ કરવું હતું. મહિને કે દોઢ મહિને 15 ટકા નફાનું રોકાણ હોવાનું જણાવી લલચાવ્યો હતો. ત્યાર બાદ વિશ્વાસ ન હોય તો ધોલેરામાં મારા પ્લોટ છે, પૈસા ડૂબી જાય તો પ્લોટ લઈ લેજો એમ કહી રોકાણ કરાવ્યું હતું. ફસાઈ ગયા, હવે બહાર નીકળવા કૂદી રહ્યો છે. અમને લાલચ બરબાદ કરી ગઈ, તો અલ્પેશને તેની હોશિયારી આબાદ કરી ગઈ હોવાનું કહી શકાય છે. સાહેબ, અમને તો એવી પણ ખબર પડી છે કે રોકાણકારોના રૂપિયાથી અલ્પેશ વેબસિરીઝ ફિલ્મ બનાવી રહ્યો છે. અમને ડુબાડ્યા, હવે ફિલ્મમાં કેટલા લોકો ડૂબશે.. એ તો ભગવાન જ જાણે, પણ તે માણસ કોઈનું ભલું નહિ કરે એ વાત પાક્કી છે.

અલ્પેશના કાર્યક્રમમાં કુમાર કાનાણી સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.
અલ્પેશના કાર્યક્રમમાં કુમાર કાનાણી સહિત ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.

પત્નીની બચત ગુમાવી
પ્રજ્ઞેશકુમાર દિનેશભાઇ (રોકાણકાર)એ જણાવ્યું હતું કે વાત વર્ષ 2017-18ની છે. મિત્રોના હસ્તકથી અલ્પેશને મળવાનું થયું હતું. 10 મહિનામાં રૂપિયા ડબલનું પ્રલોભન આપી લલચાવ્યો હતો. અલ્પેશની વાતમાં આવી મેં તો મારી અને મારી પત્નીની આખી બચત એટલે રૂપિયા 2.50 લાખનું રોકાણ કરી દીધું હતું. શરૂઆતમાં 12 હજારના ત્રણ હપતા પેટે રિટર્ન પણ સારું આપ્યું હતું. બસ પછી બોલ બચ્ચન બની ગયો હતો. હાલ કેસ નથી, પણ તમારા પૈસાનું રિટર્ન સારું છે, એટલે બીજી સ્કીમમાં રોકાણ કરી દીધા છે. થોડા દિવસો પછી ઓફિસ મળવા ગયા તો બંધ હતી. ફોન રિસીવ ન કરે, એટલે અમે તેના પુણામાં રહેતા ભાઈની ફર્નિચરની દુકાન પર ગયા તો ભાઈનો ફોન ઉપાડ્યો ને વાતને ટલ્લે ચઢાવી દીધી. બસ પછી 3 વર્ષ બાદ પોલીસ ફરિયાદના સમયે અલ્પેશભાઈનાં દર્શન થયાં એટલે ફરી એક જ વાત મને થોડો સમય આપો, 15-20 ધક્કા ખાયને ચપલમાં પણ કાણાં પડી ગયાં હોય એવા ઠગબાજને સમય અપાઈ એવા પ્રશ્નો ઊભા થતા હતા. અમારી નાની નાની રકમ જીવન રક્ષાકવચ સમાન હોય છે. અલ્પેશે તો આખું કવચ જ પચાવી પાડ્યું. હવે ન્યાયતંત્ર પર જ વિશ્વાસ રહ્યો છે.

રોકાણ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપેલું
મોનિલ (નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું જે બેન્કિંગ ક્ષેત્રે ઈન્શ્યોરન્સનું કામ કરી રહ્યો છું. મારી અલ્પેશ સાથે સીધી મુલાકાત થઈ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેને ઓળખતો થયો હતો. 2-3 વારની મીટિંગમાં જ તેની ઝાળમાં આવી ગયો હતો. વિશ્વાસમાં લેવા તેણે સામેથી રોકાણ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું હતું. મેં 2.50 લાખનું રોકાણ કર્યું હતું. જોકે સિક્યોરિટીને લઈ મેં સાટાખત લખાવી લીધો હતો. હું બીજા રોકાણકાર લઇ આવું એટલે તેણે મને ડિસ્કાઉન્ટ આપ્યું હતું. જોકે મેં બીજા રોકાણકારો લાવવાની ના પાડી દીધી હતી. રોકાણ બાદ પહેલા બે રિટર્ન હપતા પેટે 26-26 હજારના આવ્યા હતા. પછી આપવાનું બંધ કરી દીધું હતું.

અમુક રોકાણકારોને અલ્પેશ લખાણ પણ કરી આપતો હતો.
અમુક રોકાણકારોને અલ્પેશ લખાણ પણ કરી આપતો હતો.

દીકરીની બચતના રૂપિયા ફસાયા
ફોન કરતાં તો એક જ વાત કરતો કે હું બહાર છું. IT ની બબાલ છે પછી તો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. પણ અમે હિંમત હારી ન હતી. સલાહ-સૂચન કરી અલ્પેશ પાસે ચેક માગ્યા અને તેણે છેવટે ચેક આપ્યો. અમારું રોકાણ સુરક્ષિત હોવાનું ઉદાહરણ આપ્યું, 5-6 ઓગસ્ટના ચેક છે, બસ અપેક્ષા રાખીએ છીએ કે પાસ થઈ જાય, કેમ કહું? ઘરમાં ખબર પડી તો ચોક્કસ ઝઘડાનું ઘર બની જશે, મારી બચત સાથે મારી પત્નીએ પોણાબે વર્ષની દીકરીના જન્મ સમય એટલે કે શ્રીમંતથી લઈ દીકરીને મળેલી ભેટના રૂપિયા ભેગા કરી આ રકમ બચાવી હતી, જેનું મેં રોકાણ કર્યું છે. બસ, ભગવાનને દુવા-પ્રાર્થના કરું છું કે મારા રોકાણની મુદ્દલ જ આવી જાય, પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું, એમ મોનિલે વધુમાં જણાવ્યું હતું.