• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Alpesh Kathiria Touches His Uncle's Feet Even In Defeat, A Master At Hoisting The Banner Of Kanani Victory Even In The Midst Of Storms In Varachha.

કાનાણીએ ભાજપનો ગઢ અકબંધ રાખ્યો:અલ્પેશ કથીરિયાએ હારીને પણ કાકાના ચરણ સ્પર્શ કર્યા, વરાછામાં વાવાઝોડા વચ્ચે પણ કાનાણી જીતનો વાવટો ફરકાવવામાં માહેર

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના ચૂંટણીના મહાસંગ્રામના પરિણામો જાહેર થયા છે. જો કે, સમગ્ર ગુજરાતની નજર વરાછા બેઠક પર રહી. વરાછા બેઠક પરથી ભાજપે કુમાર કાનાણીને તો આપ દ્વારા અલ્પેશ કથીરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યાં હતાં. બીજી તરફ કોંગ્રેસમાંથી પ્રફુલ તોગડિયાને ટિકિટ આપવામાં આવી હતી. ત્રિપાંખિયા જંગની સ્થિતિમાં આ વખતે માહોલ આપના અલ્પેશ તરફી જોવા મળતો હતો. જો કે, આપના વાવાઝોડા કે પાટીદાર અનામત આંદોલન જેવા તોફાની માહોલમાંથી પણ વરાછા બેઠકમાં ભાજપની જીતનો વાવટો કુમાર કાનાણી ફરકાવતા રહેવામાં માહેર બની ગયાં છે. જેથી વિરોધી ઉમેદવારો પણ તેના ચરણ સ્પર્શ કરવા મજબૂર બને છે. સરકાર સામે પડીને લોકોના પ્રશ્નો ઉકેલવામાં સતત રતે રહેતા હોવાથી કુમાર કાનાણી જીતતા હોવાનું સામે આવી રહ્યું છે.

ત્રણ ટર્મથી જીત મેળવે છે
કુમાર કાનાણી 2012થી ધારાસભ્ય છે. છેલ્લી ત્રણ ટર્મથી તેઓ જીતતા આવે છે. 2012માં કુમાર કાનાણી ધીરૂ ગજેરા સામે જીત્યા હતાં. કોર્પોરેશનમાં ડે.મેયર રહી ચૂકેલા કાનાણી 2012માં જે તે વખતે મંત્રી રહી ચૂકેલા અને ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા દિગ્ગજ નેતા ધીરૂ ગજેરા સામે ટકરાયાં હતાં. જો કે પ્રથમવાર જ ધારાસભાની ચૂંટણી લડી રહેલા કાનાણી જંગી બહુમતીથી જીત્યા હતાં.

પાટીદાર આંદોલનમાં પણ જીત્યા
વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનની સીધી અસર નીચે ચૂંટણી લડાઈ હતી. આ વખતે પણ ભાજપે કુમાર કાનાણી પર વિશ્વાસ મૂક્યો હતો. કુમાર કાનાણીએ 2017માં પણ ધીરૂ ગજેરા સામે ટકવાનું હતું. પૈસા ટકે સમૃધ્ધ ધીરૂ ગજેરા સામે 2017ની ફાઈટ આસાન નહોતી. પાટીદારો વિમુખ થયેલા હતાં. યુવાનો સાથે નહોતા. બીજી તરફ પાસનો બેક સાઈડથી ટેકો કોંગ્રેસને હતો. એવામાં કુમાર કાનાણી 12 હજાર કરતાં વધુ મતોથી ધીરૂ ગજેરાને હરાવીને હીરો બની ગયાં હતાં.

2022માં પણ જીત મેળવી
કુમાર કાનાણી 2022માં ભાજપ ટિકિટ નહીં આપે તેવો માહોલ ચૂંટણી અગાઉ જ સર્જાયો હતો. જો કે, આપનું ફેક્ટર ઉમેરાયું હતું. આપની સાથે પાસ પણ ભળ્યું હતું. જેથી વરાછાની બેઠક ભાજપને જીતવી આસાન નહોતી. જેથી ભાજપે ફરી જીતના હીરો અને વાવાઝોડામાં પણ વાવટો ફરકાવવામાં માહેર કુમાર કાનાણીને ટિકિટ આપી અને તેને ચરિતાર્થ કરી બતાવતાં કુમાર કાનાણીએ ગત વખત કરતાં પણ લીડ વધારીને જીત મેળવી છે.

કુમાર કાનાણી લોકો વચ્ચે રહે છે
વરાછા વિધાનસભામાં ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી પદે રહી ચૂકેલા કુમાર કાનાણી સતત લોકો વચ્ચે જ રહેતા હોય છે. તેઓ સ્કૂટર પર મોટાભાગે વરાછા વિસ્તારમાં ફરતાં હોય છે. મોડી રાત સુધી તેઓ રસ્તા પર બેઠાં રહે છે. કોરાના હોય કે, ટ્રાફિકનો પ્રશ્ન કાનાણી સરકાર સામે પણ પડતાં હોય છે. દબંગ તરીકેની તેમની છાપ ઉભી થઈ છે.

પોતાના સ્વભાવ માટે જાણીતા
કુમાર કાનાણી સ્પષ્ટ વક્તા છે. સરકારની વિરૂદ્ધમાં બોલવાનું હોય તો પણ તેઓ બોલે છે. અનામત આંદોલનને સપોર્ટ પણ જે તે વખતે કરવામાં તેઓ પાછા પડ્યા નહોતા. તો ટ્રાફિકમાં હેલમેટના નિયમો માટે કે પછી સતત લોકોને દંડ અપાતા હોય તો પણ તેમના માટે તેઓ આડા પડતા અચકાતા નથી. સરકારને પત્રો લખવામાં પણ પાછી પાની કરતાં નથી.

અલ્પેશે હાર્યા બાદ કુમાર કાનાણી સાથે ફોટો ખેંચાવ્યો હતો.
અલ્પેશે હાર્યા બાદ કુમાર કાનાણી સાથે ફોટો ખેંચાવ્યો હતો.

પાટીદાર સમાજનો ગઢ વરાછા બેઠક છે
આ બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. તેથી જ પાટીદાર આંદોલનની અસર સૌથી વધારે આ બેઠક પર જોવા મળી હતી. વરાછા બેઠકને પાટીદાર સમાજનો ગઢ માનવામાં આવે છે. પાટીદારોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારમાં 1.40 લાખ મતદારો તો ફક્ત પાટીદારો જ છે. આ માટે આ વિધાનસભા કોંગ્રેસ અને ભાજપ બંને માટે મહત્વની બની ગઈ હતી. તેમાં પણ આમ આદમી પાર્ટી આવ્યા બાદ આ બેઠક પર રાજકીય રસાકસી થોડી વધી હતી. જો કે કાનાણીએ આખરે જીત મેળવી હતી.

કેટલા છે મતદારો
- કુલ મતદારો - 1,97,962
- પુરૂષ મતદારો - 1,12,305
- મહિલા મતદારો - 85851

ગત વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા કુમાર કાનાણી
વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવા માટે ભારે મુશ્કેલી થઈ હતી. આ વિસ્તારમાં આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. ભાજપને પ્રચારમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતા ભાજપે આ બેઠકને જાળવી રાખી હતી. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીની જીત થઈ હતી. તો વર્ષ 2012માં પણ કુમાર કાનાણી (કિશોર કાનાણી) જીત્યા હતા. આ પહેલા 1998થી 2007 સુધી આ બેઠક કોંગ્રેસના પરેશભાઇ વસાવાના કબજામાં હતી.

2017ની ચૂંટણી
વરાછા બેઠકના ઇતિહાસની વાત કરીએ તો 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ ભાજપે આ પાટીદાર બહુલ બેઠક જીતી હતી. ભાજપના કિશોર કાનાણીએ કોંગ્રેસના ધીરુભાઇ ગજેરાને 13998 મતથી હાર આપી હતી.

2012ની ચૂંટણી
2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના કિશોર કાનાણીએ કોંગ્રેસના ધીરુભાઇ ગજેરાને 20359 મતથી હરાવી વરાછા બેઠક જીતી હતી.

અન્ય સમાચારો પણ છે...