તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો સાથે 'રમત':આજે ફરી સુરતમાં વેક્સિનેશન સેન્ટર પર લટક્યા તાળા, લોકોમાં ઉત્સાહ તો હવે તંત્ર પાસે વેક્સિન નથી

સુરત2 મહિનો પહેલા
લોકોમાં જાગૃતિ આવી તો તંત્ર પાસે વેક્સિનનો જથ્થો ખૂટ્યો.
  • સરકાર પાસે વેક્સિનનો જથ્થો પુરતા પ્રમાણમાં નથી પરંતુ સરકાર વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી

સુરત શહેરમાં આજે તમામ રસીકરણ બંધ રહેશે. એક તરફ સતત રસીકરણ માટે સતત જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યા છે. લોકોને રસીકરણ કેન્દ્રો ઉપર જવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જોકે મહત્વની વાત એ છે કે સરકાર પાસે જરૂરિયાત કરતા ઓછા વ્યક્તિના ઉપલબ્ધ છે. શરૂઆતમાં મોટા ઉપાડે ફ્રી વેક્સિનેશનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. રોજના 40થી 50 હજાર વેક્સિન ડોઝ આપવામાં આવ્યા અને વાહ-વાહી લૂંટવામાં આવી હતી. હવે સ્થિતિ એવી છે કે એક સેન્ટર ઉપર 100 વેક્સિન પણ તેઓ આપી શકતા નથી.

ઘણા રસીકરણ કેન્દ્રો ઉપર પડાપડી પણ થઈ હતી
કોર્પોરેશન દ્વારા રસીકરણ અભિયાનને લઈને હવે સ્થિતિ ખૂબ જ વકરી રહી છે. હવે સરકાર એવું કહી શકે તેવી સ્થિતિમાં નથી કે લોકોમાં વ્યક્તિને લઈને જાગૃતિનો અભાવ છે. જ્યારે પણ વેક્સિન મૂકવાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે સુરતીઓ મોટી સંખ્યામાં કતારોમાં કલાકો સુધી ઊભા રહીને પણ વેક્સિન લઈ રહ્યા છે. વેક્સિનેશન સેન્ટર શરૂ થાય તે પહેલાથી લોકો કલાકો સુધી ટોકન લેવા માટે ઉભા રહે છે. ઘણા રસીકરણ કેન્દ્રો ઉપર પડાપડી થતી પણ જોવા મળી હતી.

લોકોને પુરતી માહિતી પણ નથી મળતી
રસીકરણને લઈને કોર્પોરેશનની ઉદાસીનતા સામે આવી રહી છે. વેક્સિનનો કેટલો જથ્થો છે અને કેટલા દિવસ સુધી કેટલા સેન્ટરો ઉપર કેટલા ડોઝ આપવામાં આવશે તે અંગેની કોઇ સ્પષ્ટતા દેખાતી નથી. મન ફાવે ત્યારે રસીકરણ છે કેન્દ્ર શરૂ કરી દેવામાં આવે છે. મન ફાવે ત્યારે રસીકરણ કેન્દ્ર બંધ કરી દેવામાં આવે છે. લોકોને પુરતી માહિતી પણ નથી મળતી કે આવતીકાલે વેક્સિન મળશે કે કેમ અને મળશે તો કયા સેન્ટર ઉપર મળશે. આજે એક સેન્ટર શરૂ થાય તો બીજે દિવસે તે સેન્ટર બંધ થઈ જાય. ફરીથી સેન્ટર ચાલુ થશે કે નહીં તેની પણ કોઈ પૂરતી માહિતી લોકો પાસે હોતી નથી.

સુરત શહેરમાં આજે તમામ રસીકરણ કેન્દ્રો બંધ.
સુરત શહેરમાં આજે તમામ રસીકરણ કેન્દ્રો બંધ.

10થી 12 દિવસથી માત્ર આઠથી દસ હજાર રસીકરણ
કોર્પોરેશન દ્વારા કોઈ એવી નિશ્ચિત આયોજન નથી કે લોકોને તમામ બાબતે માહિતગાર કરી શકાય. આવતીકાલે રસીકરણ કેન્દ્ર બંધ રહેવાના છે એવી જાહેરાત પણ મોડી સાંજે કરવામાં આવે છે. તાજેતરમાં ત્રણ દિવસ સુધી તમામ રસીકરણ કેન્દ્રો બંધ રહ્યા હતા. છેલ્લા 10થી 12 દિવસથી તો શહેરમાં માત્ર આઠથી દસ હજાર લોકોને વેક્સિન આપવામાં આવતા હતા. જો આવી જ રીતે વેક્સિન આપવામાં આવશે તો હજી પણ બે વર્ષ સુધી આ અભિયાન પૂર્ણ થવાનું નથી. સુરત શહેરની જેમ વસ્તી છે તેની સરખામણીએ વેક્સિનના ડોઝ ખૂબ જ ઓછા ઉપલબ્ધ થઇ રહ્યા છે.

વેક્સિનેશન સેન્ટર ઠેર-ઠેર બંધ હોવાના બોર્ડ લાગ્યા છે.
વેક્સિનેશન સેન્ટર ઠેર-ઠેર બંધ હોવાના બોર્ડ લાગ્યા છે.

સરકારે ગંભીરતાથી રસીકરણ માટેની તૈયારી કરવી જોઈએ
કોરોના સંક્રમણની ત્રીજી લહેરને અટકાવવા માટે સરકારે ગંભીરતાથી રસીકરણ માટેની તૈયારી કરવી જોઈએ. લોકો પણ જાગૃત થયા છે કે ત્રીજી લહેરમાં પોતે કોરોના સંક્રમિત ન થાય તેના માટે તેઓ રસીકરણ કેન્દ્રો ઉપર પહોંચીને ડોઝ લઇ રહ્યા છે. રસીકરણ કેન્દ્ર પર પહોંચેલા લોકોમાંથી 50 ટકા લોકોને ડોઝ પ્રાપ્ત થઇ રહ્યા છે. બાકીના તમામ લોકો વીલા મોઢે પાછા ફરી રહ્યા છે. જો આવા જ પ્રકારની સ્થિતિ હશે તો કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં શહેરના વધુ લોકો સંક્રમિત થઈ શકે છે તેમાં કોઇ અતિશયોક્તિ નથી. કારણ કે અત્યાર સુધીનો અભ્યાસ માં એક કારણ સ્પષ્ટ છે કે રસીકરણ એ જ કોરોના સંક્રમણ અટકાવવા માટેનું અમોઘ શસ્ત્ર છે.