કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે રિસ્ક કન્ટ્રીમાંથી છેલ્લા 4 દિવસમાં સૌથી વધુ મંગળવારે 92 મુસાફરો સુરત ઉતર્યા છે. જેમને પાલિકાનું તંત્ર ક્વોરોન્ટાઇન કરવાની સાથે આરટીપીસીઆર ટેસ્ટિંગની પ્રક્રિયામાં સાબદું બન્યું છે. મંગળવારે આવેલા યાત્રીઓમાં હોન્ગકોંગના 2 યાત્રી હોવાથી મેયરે માહિતી એકત્ર કરી હતી. 4 દિવસમાં કુલ 133 પેસેન્જર્સ આવ્યાં છે. જે પૈકી 120ના આરીટીપીસીઆર ટેસ્ટ કરાયા છે. જેમાં 80 નેગેટિવ છે જ્યારે 40ના રિપોર્ટ પેન્ડિંગ છે. અન્ય 13 યાત્રી પ્રોસેસમાં છે. નોર્મલ કન્ટ્રીમાંથી આવતા મુસાફરોને પણ ક્વોરોન્ટાઇન સાથે સરેરાશ 5 ટકા લોકોના RTPCR કરાઇ રહ્યા છે. જેમને 7 દિવસ ક્વોરોન્ટાઇન તેમજ સારવારની જરૂરિયાત હોય અને ઘરે વ્યવસ્થા ન હોય તો તેઓ હોટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં રોકાઇ શકે છે. આ પ્રક્રિયા માટે પાલિકાએ શહેરની એક હોટલ તેમજ એક હોસ્પિટલ સાથે ટાયપ કરવાની કવાયત હાથ ધરી છે. જોકે હોટલ તથા હોસ્પિટલમાં રોકાણ દરમ્યાનનો ખર્ચ દર્દીએ જાતે ભોગવવો પડશે.કોરોનાના ગતરોજ વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 144047 પર પહોંચ્યો છે
27 નવેમ્બર બાદ કુલ 837 મુસાફરો હાઇ રિસ્ક સહિત જુદા જુદા દેશોમાંથી સુરત આવ્યા
27 નવેમ્બરથી પાલિકાએ શરૂ કરેલી કવાયત વચ્ચે અત્યાર સુધીમાં 970 આંતરાષ્ટ્રીય યાત્રીઓ સુરત ઉતર્યા છે. જેમાં નોર્મલ કન્ટ્રીમાંથી 837 મુસાફરો જ્યારે 133 યાત્રી રિસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે, જેમાં મંગળવારે સૌથી વધુ 92 યાત્રી આવ્યાં છે. કુલ 133 પૈકી 120 યાત્રીના આરટીપીસીઆર ટેસ્ટિંગમાં 80 યાત્રી નેગેટિવ આવ્યાં છે. જ્યારે 40ના રિપોર્ટ પેન્ડિંગ છે.
શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20 થઈ
શહેરમાં 4 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144047 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એકપણ દર્દીનું મોત નીપજ્યું નહોતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2116 થયો છે. શહેરમાંથી 05 દર્દીએ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141911 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20 થઈ છે.
રસીકરણ અભિયાન તેજ કરાયું
કોરોના સંક્રમણ સામે લોકોને ઝડપથી રસી મળી જાય તે હેતુથી પાલિકા દ્વારા પ્રયાસો યથાવત રાખવામાં આવ્યાં છે. આજે શહેરમાં પ્રથમ ડોઝ કોવિશિલ્ડ માટે 24 સેન્ટર જ્યારે બીજા ડોઝ માટે 140 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જનારા લોકો માટે 2 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. સાથે જ કોવેક્સિન રસી લેનારા માટે 11 સેન્ટર કાર્યરત છે.આમ કુલ 177 સેન્ટર પર રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.