તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરતમાં લવ-જેહાદ મામલો:પીડિતાએ આપવીતી જણાવતાં કહ્યું, ‘અખ્તર પાંચ સંતાનનો પિતા, તેના મોટા દીકરાની ઉંમર મારા જેટલી છે, પોલીસે ફરિયાદ પણ નહોતી લીધી’

સુરતએક મહિનો પહેલા
ભોગ બનનાર પીડિતાની તસવીર.
  • ડિંડોલીની હિન્દુ યુવતી સાથે મુકેશ નામ ધારણ કરી લગ્ન કરનાર અખ્તરની ધરપકડ
  • નમાજ પઢવા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી પુત્રના અપહરણની ધમકી આપતો હતો

ડિંડોલીની હિન્દુ યુવતી સાથે અખ્તરે મુકેશ નામ ધારણ કરી લગ્ન કર્યા બાદ બુરખો પહેરવા અને નમાજ પઢવા દબાણ કરતો હતો. યુવતી ઈનકાર કરે તો તેને માર મારી પુત્રનું અપહરણ કરવાની ધમકી આપતો હતો. લગ્નનાં અઢી વર્ષે પતિનું આધાર કાર્ડ અચાનક હાથમાં આવતાં તે મુસ્લિમ હોવાનું અને 5 સંતાનનો પિતા હોવાનું ખૂલ્યું હતું. એમાં સૌથી મોટો પુત્ર તો યુવતીની ઉંમરનો નીકળ્યો હતો. લવ-જેહાદનો ભોગ બનેલી યુવતીએ આપવીતી રજૂ કરી હતી.

હું ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. હું મોબાઈલ કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે અખ્તર મુકેશ બનીને આવ્યો હતો. તેણે સિમ કાર્ડ બદલ્યું હતું. મેં તેને બીજા ગ્રાહકો લાવવાનું કહેતાં તે 10થી વધુ ગ્રાહકો લાવ્યો હતો. તેથી મિત્રતા થઈ હતી. એ સમયે તેણે મને કહ્યું હતું કે તે રેલવેમાં ટિકિટ બુકિંગની નોકરી કરે છે. મિત્રતા પ્રેમમાં પરિણમી અને બાદમાં લગ્ન થતાં મુકેશનાં માતા-પિતા કે અન્ય કોઈ સંબંધીઓ હાજર ન હોવાથી મેં પૂછ્યું તો તેણે કહ્યું હતું કે મારાં પરિવારજનો 5 લાખ માગે છે. હું આપતો નથી. તેથી તેઓ નારાજ છે. પછી ઘણી વખત અજાણી મહિલાનો ફોન આવતો ત્યારે તે કહેતો કે દિલ્હીમાં રહેતી તેની ભાભીનો ફોન છે. દોઢેક માસ પહેલાં તેનું આધાર કાર્ડ મળ્યું, એમાં નામ મોહંમદ અખ્તર મોહંમદ સમતઅલી શેખ હતું. આ બાબતે મેં પૂછતાં ઉશ્કેરાઈ જઈ કહ્યું કે તારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે.

નમાજ પઢવા અને બુરખો પહેરવા દબાણ કરતો હતો. હું ના પાડતી તો માર મારતો હતો. દરમિયાન હંમેશાં જે મહિલાનો ફોન આવતો એ મેં ફોન ઉપાડ્યો તો તેણે કહ્યું હતું કે તે તેની પત્ની છે. તેને 5 સંતાન પણ છે, જેમાં સૌથી મોટો દીકરો મારી ઉંમરનો છે. પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગઈ તો ફરિયાદ ન લીધી. બાદમાં હિંદુ સંગઠનોએ હંગામો કરીશું એવી ચીમકી આપતાં ગુનો નોંધાયો છે.

સુરતમાં સગા ન હોવાનું કહેતો હતો

અખ્તર ઉર્ફે મુકેશ
અખ્તર ઉર્ફે મુકેશ

એસીપી એ.એમ.પરમારે શુક્રવારે આરોપી અખ્તરની ધરપકડ કરી છે. આરોપી અખ્તરની અટકાયત કરી ત્યારે તેના સંબંધીઓ પોલીસ સ્ટેશને ભેગા થયા હતા. અત્યારસુધી તે પીડિતાને એવું કહેતો કે તેના કોઈપણ સગાં સુરતમાં રહેતાં નથી.

ફરિયાદ અટકાવવા 60 હજારની લાલચ આપી
ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લવ-જેહાદની ફરિયાદ નોંધાતી હતી ત્યારે અખ્તરના સંબંધીઓએ પોલીસની હાજરીમાં જ ભોગ બનનાર યુવતીને ફરિયાદ ન કરવા લાલચ આપી હતી. સંબંધીઓએ કહ્યું હતું કે 50થી 60 હજાર રૂપિયા આપીશું, પરંતુ ફરિયાદ ન કરતી, પરંતુ એ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...