સુરતમાં ભટાર યુનિક હોસ્પિટલ અને કાપડિયા હેલ્થ ક્લબ વચ્ચેના BRTS રોડ ઉપર ભરબપોરે બાઇક સવાર બે ઈસમો એરટેલના કર્મચારીના હાથમાંથી 18 લાખ રૂપિયા ભરેલું બેગ છીનવી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ખટોદરા પીઆઇ ટીવી પટેલે જણાવ્યું હતું કે એરટેલ મની ટ્રાન્સફરનો કર્મચારી બેકમાં પૈસા ભરવા જતા ઘટના બની હતી. જોકે હાલ તપાસ ચાલુ છે. જ્યારે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે.
બાઈક પરથી પડી જતા કર્મચારી ઈજાગ્રસ્ત થયો
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એક યુવક રોડ ઉપર ચાલુ બાઈકે પડી ગયા બાદ મારી કેસ મારી કેસ એમ બુમો પાડી રહ્યો હતો. અમે દોડીને ગયા અને એને ઉભો કરી રોડ બાજુએ બેસાડ્યો, ભાનમાં આવતા જ એ એની બાઇક ચાલુ કરી નીકળી ગયો હતો. થોડીવાર પછી હેલ્મેટ લેવા આવ્યોને પાછો ચાલી ગયો હતો.
કર્મચારી બેંકમાં પૈસા ભરવા જઇ રહ્યો હતો
પોલીસે જણાવ્યું હતું કે ઘટના બપોરે 3થી 3:15 વાગ્યાની છે. સોશિયો સર્કલથી એરટેલનો કર્મચારી બેંકમાં પૈસા ભરવા જઇ રહ્યો હતો. ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા ઈસમો રૂપિયા 18 લાખ ભરેલું બેગ છીનવી ભાગી ગયા હતા. ઘટનાની જાણ બાદ DCB સહિતના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. હાલ ફરિયાદ નોંધી તપાસ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.