સુરતના મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયા પરિવારએ અમદાવાદમાં જઈને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. આપઘાતના પ્રયાસ અગાઉનો વીડિયો વાઈરલ થયો છે. ત્યારે આપઘાતનો પ્રયાસ કરનારના માતા પિતાને અશ્વિન ચોવટીયાએ જણાવ્યું હતું કે, કામ અર્થે અમદાવાદ જાઉં છું. બે દિવસમાં ઘરે આવી જઈશ. અમે તેની કેટલા દિવસથી રાહ જોઈએ છે. બહારથી ખબર પડી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. દીકરાને છેલ્લા ઘણા સમયથી મફતમાં ફ્લેટ બચાવી પાડવાના દબાણ કરી ગુંડા તત્વો હેરાન કરતા હતા. સરકારે આવા ગુંડા તત્વો સામે પગલા ભરવા જોઈએ. મફતમાં ઘરના દસ્તાવેજ કરાવી આપવા સમાજના મોટા દલાલ ગુંડા તત્વો ઘરે આવીને ધમકીઓ આપતા હતા. મારો દીકરો દિવાળી પહેલાથી તો વ્યવસ્થિત જમતો પણ નથી.
દીકરાને મારી નાખવાની ધમકીઓ મળતી હતી
સુરતના બિલ્ડર અશ્વિન ચોવટીયાએ અમદાવાદમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધા હોવાના પ્રયાસ બાદ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. જીરો કલમથી સુરતના સરથાણામાંથી ટ્રાન્સફર કરી છે. બીજી તરફ બિલ્ડર અશ્વિન ચોવટીયા અમદાવાદમાં હાલ સારવાર હેઠળ છે. ત્યારે તેના માતા પિતા સુરતમાં રહે છે. તેમના પિતા નાનુભાઈ ચોવટીયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમની સાથે તેમના દીકરા અશ્વિન ચોવટીયાએ કરેલા આપઘાતના પ્રયાસ અંગે જણાવ્યું હતું કે, કેટલાક લોકો મારા ઘરે આવીને ધાક ધમકીઓ આપી જતા હતા. મારા દીકરાને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. મારો દીકરો ખૂબ જ ટેન્શન અને તણાવમાં રહેતો હતો.
મફતમાં ઘરના દસ્તાવેજો કરાવવા દબાણ કરાતું હતું
નાનુભાઈ ચોવટીયાએ પોતાના પુત્રના આપઘાતને લઈ વધુમાં જણાવ્યું હતું કે, મારો દીકરો કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. બિલ્ડીંગો બનાવે છે. ત્યારે કેટલાક લોકો મારા પુત્રએ બનાવેલ સહજાનંદમાં મફતમાં ફ્લેટ જોઈએ છે. મફતમાં ઘરના દસ્તાવેજ કરી આપવા માટે દબાણ કરે છે અને મારા પુત્રને હેરાન પરેશાન કરે છે. ઘરે આવીને ચારથી પાંચ લોકો મારી નાંખવા સુધીની ધમકીઓ આપતા હતા. નામ નથી ખબર પણ એટલું જાણવા મળ્યું છે કે, સમાજનો કોઈ મોટો દલાલ છે. દસ્તાવેજ કરી દો, નહીં તો મારી નાખીશું. આવી ધમકીઓ ઘરે આવીને બેથી ત્રણ વખત મોડી રાત્રે આપવા આવ્યા હતા.
દિવાળી પહેલાથી મારો દીકરો જમતો પણ નહી
વધુમાં જણાવ્યું હતું કે, મારા દીકરાને ગુંડા તત્વો દિવાળી પહેલાથી ધમકીઓ આપે છે. મારો દીકરો દિવાળી સમયથી વ્યવસ્થિત રહેતો જમતો પણ નથી. એક રોટલી, અડધી રોટલી ખાઈને ઊભો થઈ જાય છે. પરિવારને ચિંતા ન થાય એટલા માટે કાંઈ કહેતો પણ ન હતો.
માતા પિતાની આપવીતી
નાનુભાઈ ચોવટીયાને બે દીકરા છે. મોટો દીકરો સંજય જેણે લગ્ન કર્યા નથી. નાના દીકરો અશ્વિન છે. અશ્વિનને એક પત્ની અને બે બાળકો છે. ત્યારે નાનુંભાઈ ચોવટીયાએ પોતાના નાના દીકરા અશ્વિન ચોવટીયાના આપઘાતના પ્રયાસને લઈ આપવીતી કહેતા જણાવ્યું હતું કે, મારો છોકરો મરી જાત તો તેની પાછળના લોકોને સજા થવી જોઈએ. મારા દીકરાને કંઈ થઈ જાય તો અમારા વહુ છોકરાનું શું થાત. અમારા 70 વર્ષ થયા છે, તો ત્યારે ઘરના મોભીને કંઈ થાય તો અમારું કોણ. મારા દીકરાને 10 વર્ષનો છોકરો અને 14 વર્ષની છોકરી છે. આવા કુમળા જેવા છોકરાઓનું શું થાત. પત્ની તો 35 જ વર્ષની છે. તો એની શું દશા થાય. અમારી તો ઠીક ઉંમર થઈ ગઈ છે. પણ મારા વહુ છોકરાનું શું થાત. ઘરનો મોભી જ જો આ રીતે જતો રહે એ વાતથી અમે થરથરી જઈએ છીએ.
સરકારે આવા ગુંડા તત્વોનો નાશ કરવો જોઈએ
નાનુભાઈએ પોતાની વેદના ન્યાય માટે જણાવ્યું હતું કે, સરકારે આવા ગુંડા તત્વો સામે પગલાં ભરવા જોઈએ. તેઓનો નાશ કરવો જોઈએ. નહિતર આવા તો બીજાનું પણ લોહી પીને હેરાન કરશે. દબાઈ દબાઈને મિલકત ભેગી કરવા વાળા લુખ્ખા માણસો કહેવાય. આવા લુખ્ખા તત્વોને મફતમાં ફ્લેટો જોઈતા હોય છે. મારા દીકરા પાસે પાંચથી છ કરોડનો મિલકત મફતમાં દસ્તાવેજ કરાવવો હતો. તેણે પૈસા વગર ના પાડી એટલે તેને મારી નાખવાની અને ચીટીંગમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. મારા દીકરાએ બનાવેલ સહજાનંદમાં ફ્લેટ તેઓને જોઈએ છે અને તેનો દસ્તાવેજ નથી કરી આપતા એટલે હેરાન પરેશાન કરે છે. જેથી મારા દીકરાને ન્યાય મળવો જોઈએ. આવા ગુંડા તત્વો સામે સરકારે કડક પગલાં ભરવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.