સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નવ કોલેજના ખાનગીકરણનો નિર્ણય લીધો છે. જેને લઈને હવે વિદ્યાર્થી આલમમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. NSUI દ્વારા કોલેજ ખાતે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી નર્મદ પ્રતિમાનું જળાભિષેક કરીને વિરોધ કરાયો હતો.
પખવાડીયું પૂર્ણ થયું છતાં 9 ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ નહીં થતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા છે. જેને કારણે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયાએ VNSGUમાં ગુજરાત સરકારના પૂતળાના મગજનું ઓપરેશન કરીને ઘાસફૂસ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. એટલું જ નહીં, યુનિવર્સિટીમાં કવિ નર્મદની પ્રતિમા પર દૂધનો અભિષેક કરી રામધૂન બોલાવી હતી.
એનએસયુઆઇના પ્રમુખ મનીષ દેસાઇએ કહ્યું કે, ગુજરાત સરકારના આદેશથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 9 ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ રદ કરીને 3 પ્રાઇવેટ યુનિવર્સિટીને સોંપી છે અને તેને કારણે ગરીબ, મધ્યમ વર્ગ, પછાત વર્ગના વિદ્યાર્થીઓએ ઊંચી ફી ભરવી પડશે. તે સાથે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોડાનારી ગ્રાન્ટેડ કોલેજોના અધિકારો પણ છીનવાઇ જશે.
આપ અને કોંગ્રેસ બંને વિરોધ નોંધાવી રહ્યા છે
દક્ષિણ ગુજરાત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં મહદંશે આદિવાસી વિદ્યાર્થીઓ ભણતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના તેમજ ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુરત સુધી યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરવા માટે આવતા હોય છે. વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે સારૂં શિક્ષણ મળે તે હેતુથી કોલેજ શરૂ કરવામાં આવે છે. યુનિવર્સિટી દ્વારા સુરત શહેરની છ અને બારડોલીને ત્રણ જેટલી કોલેજનું જોડાણ રદ્દ કર્યું છે તેને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
શિક્ષણનો વેપલો કરવામાં કંઈ જ બાકી રાખ્યું ન હોવાનો આક્ષેપ
કોંગ્રેસના પ્રવક્તા અનુપ રાજપૂતે જણાવ્યું કે શિક્ષણનો વેપલો કરવામાં ભાજપની સરકારે કંઈ જ બાકી રાખ્યું નથી. રાજ્યની અને સુરતની સૌથી જૂની એવી કોલેજોમાં સમાવેશ પામેલી એમટીબી સહિતની કોલેજો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. મોટાભાગની કોલેજોમાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમની સાથે પણ એક પ્રકારે રાજ્ય સરકાર અન્યાય કરતી હોય તેવું લાગે છે.
વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોની ફી કેવી રીતે ચૂકવશે તે એક મોટો પ્રશ્ન
વધુમાં જણાવ્યું હતું કે, કોલેજનું ખાનગીકરણ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ તેની ફીમાં પણ તોતિંગ વધારો થઇ શકે છે. આદિવાસી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ખાનગી કોલેજોની ફી કેવી રીતે ચૂકવશે તે એક મોટો પ્રશ્ન છે. રાજ્ય સરકાર કયા કારણથી આ પ્રકારના મનસ્વી નિર્ણય લઇ રહી છે. તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. સરકારે લીધેલો આ નિર્ણય જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નો ને વાચા આપવામાં આવશે.
‘કુલપતિ હમસે ડરતા હૈ’
કુલપતિ હમશે ડરતા હૈ, પુલીસ કો બુલાતા હૈ જેવા સૂત્રોચાર NSUIએ કર્યા હતા. કુલપતિ ડો. કે. એન. ચાવડાને 9 ગ્રાન્ટેડ કોલેજોમાં તાકિદે પ્રવેશ કાર્યવાહી કરવા આવેદન આપ્યું હતું. કુલપતિએ કહ્યું કે, સરકાર પાસે અભિપ્રાય માંગ્યો છે, જે આવ્યા બાદ અમે કાર્યવાહી કરીશું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.