ભાસ્કર ઓરિજિનલ:સુરતના વાલીએ કહ્યુ, ‘બે વર્ષ પછી એમ લાગ્યું કે, હવે કોરોના ગયો પણ અંતે અમારા ઘરમાં જ આવ્યો’, 2 મહિનામાં 27 વિદ્યાર્થીને કોરોના

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે સારવાર લઈ રહેલા બાળકોના માતા-પિતાએ દિવ્ય ભાસ્કર સમક્ષ આપવીતિ વ્યક્ત કરી
  • 13થી 17 વર્ષની ઉંમરના 17, 7થી 12 વર્ષના 6 જ્યારે 6 વર્ષ સુધીના 4 બાળકો સંક્રમિત, એકને પણ હોસ્પિટલમાં દાખલ ન કરવા પડ્યા

બે મહિનામાં સુરતની વિવિધ સ્કૂલના ધોરણ.1 થી ધો.10 સુધીના 27 વિદ્યાર્થીઓને કોરોના થયો છે. જો કે,એક પણ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી નથી. ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ કેટલાક વિદ્યાર્થીઓએ આપવિતી વ્યકત કરી હતી.

એક વાલીએ કહ્યું કે, બે વર્ષથી અમે કોરોના-કોરોના સાંભળતા હતા, અમારા ઘરમાં અગાઉ કોઈને કોરોના થયો ન હતો અને છેલ્લા કેટલાક સમયથી લાગ્યું કે, હવે કોરોના ગયો પણ અમારા ઘરે જ આવ્યો. એટલે સાવચેતી હજુ જરૂરી છે. સારવાર લેનારી વિદ્યાર્થીનીએ કહ્યું કે, કોરોનાથી ડરવા જેવી કોઈ વાત ન હતી પણ સાવચેતી જરૂરી છે.છેલ્લા બે મહિનામાં 13 થી 17 વર્ષની ઉંમરના 17, 7 થી 12 વર્ષની ઉંમર ના 6 જયારે 6 વર્ષ સુધીના ચાર બાળકો સંક્રમિત થયા છે.

‘દર કલાકે દીકરીને વીડિયો કોલ કરી હિંમત આપ્યા કરીએ છીએ’ વિમલ દેસાઈ, પાલ, દીકરીની ઉંમર : 14 વર્ષ - ધો. 9 અમારા માટે દીકરીને એક રૂમમાં બંધ રાખવી એ ઘણું જ મુશ્કેલ હતું. પણ તેની મમ્મી (દિપા દેસાઈ)એ જે રીતે સમજાવી એ રીતે તે એકલી રૂમમાં રહેવા લાગી. અમે તેને મોબાઈલ આપી દીધો અને દર કલાકે બેથી ત્રણ મિનિટ વીડિયો કોલ કરીને તેની સાથે વાત કરી લઈએ. સૌથી મોટી ચેલેન્જ અમારા માટે એ હતી કે, તેને એક ટાઈમની પાંચ થી વધુ દવા લેવાની હતી અને જે તેના માટે પણ અઘરૂ હતું. એટલે વિડીયોકોલથી તેને એક સાથે બે દવા લેવાનું કહીએ પછી થોડા સમય બાદ બાકીની દવા લેવા સમજાવતા. શરૂઆતમાં તેને ડર લાગ્યો હતો પણ હવે નથી રહ્યો. બે વર્ષથી અમે પણ કોરોના વિષે સાંભળ્યું અમને હવે તો એમ પણ થઈ ગયું હતું કે, હવે કોરોના ગયો પણ અમારા ઘરમાં જ આવ્યો એટલે હવે એટલું ચોક્કસ કહીશ કે સાવધાની એ જ તકેદારી છે, હવે તે સ્વસ્થ છે. તેને શરૂઆતમાં શરદી અને ખાંસી હતા. વિદ્યાર્થિની કહે છે, કોરોનાથી ડરવા જેવી કોઈ વાત જ ન હતી.

‘રાત્રે તાવ આવે અને દીકરાને ખબર ન પડે તો? તેની ચિંતા કોરી ખાય છે’
દીપકભાઈ પટેલ, પાલ, દીકરાની ઉંમર : 16 વર્ષ - ધો. 10​​​​​​​
સવારે ઉઠીને જયારે દીકરાનું મોઢું જોઈએ અને તે એકદમ રિલેક્સ લાગે ત્યારે ડર દૂર થઈ જાય છે. માતા-પિતા તરીકે સૌથી વધુ ચિંતા રાત્રે થાય છે કે, કેમ કે, શુક્રવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને ત્યારબાદ અમે તેને એક રૂમમાં કવોરન્ટાઈન કરી દીધો છે પણ સતત તેને તાવ ચઢ-ઉતર કર્યા કરે છે. જો કે, ડોકટર્સનું ફલોઅપ દિવસમાં પાંચ વખત હોય છે અને તે દવા પણ સમયસર લઈ લે છે છતાં રાત્રે તાવ આવશે અને તેને ખબર નહીં પડે અને વધી જશે તો એવો ડર લાગ્યા કરે છે. મંગળવારે સવારે તે ઉઠયો ત્યારે તે ખૂબ જ રિલેકસ લાગ્યો ત્યારે ડર દૂર થઈ ગયો આજે તો તે ઓનલાઈન કલાસમાં પણ બેઠો હતો. 19 તારીખે જયારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે શરૂઆતમાં તેને તાવ, શરદી અને ખાંસી હતા. એને પણ શરૂઆતમાં એવુ લાગતું હતું કે, મને કોરોના થઈ ગયો છે તો હું શું કરીશ ? પણ ધીમે ધીમે તેનો પણ ડર દૂર થઈ ગયો અને અમે પણ તેને સતત સમજાવતા હતા​​​​​​​.

દીકરો સતત પૂછતો, ‘પપ્પા મને કશું નથી થયું તો અલગ કેમ રાખો છો?’
પ્રતિકભાઈ કોરડિયા , દીકરો : 12 વર્ષ - ધો. 7, દીકરી : 14 વર્ષ - ધો. 9​​​​​​​

મારી પત્નીને થોડા દિવસ પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ પાલિકાએ પરિવારના સેમ્પલ લઈને ટેસ્ટ કર્યા હતા જેમાં મારો દિકરો અને દિકરી પણ સામેલ હતા. ત્યારે પાલિકાએ કહ્યું હતું કે, 24 કલાકમાં પોઝિટિવ રિપોર્ટ આવશે તો અમે ફોન કરીશું. મને 60 કલાક પછી ફોન આવ્યો કે તમારો દિકરો અને દિકરી બંન્નેના રિપોર્ટ પોઝિટિવ છે જેમને કોઈ પણ લક્ષણ ન હતા. પહેલા પત્નિ અને પછી દિકરા-દિકરી પોઝિટિવ આવતા તેમને બાજુના અમારા ઘરે અલગ કરી દીધા પણ મારી પત્નિને લક્ષણો વધુ હોવાથી મેં મારા દિકરા-દિકરીને જુદા રૂમમાં જ કવોરન્ટાઈન કર્યા. સૌથી ચેલેન્જીંગ બાબત એ હતી કે, મારો દિકરો મને વારંવાર એક જ સવાલ કરતો હતો કે, પપ્પા મને કશું જ થયું નથી તો મને અલગ કેમ રાખ્યો છે ?, હું એને સમજાવતો કે બેટા પંદર દિવસ આ રીતે રહેવાનું છે, તને એમ લાગતું હોય તો તું કહે એટલી વાર હું તને મળવા આવી જઈશ.

અન્ય સમાચારો પણ છે...