તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • After The Trader Paid Rs 1 Lakh, The Prosecutor Picked Up Pandor From His Chambers On The Phone Saying, "Sir, Your Packet Has Arrived."

GSTના ડેપ્યૂટી કમિશનરનો લાંચ કેસ:વેપારીએ એક લાખ આપ્યા બાદ વકીલે ફોન પર ‘સાહેબ તમારું પેકેટ આવી ગયું છે’ કહેતાં જ પાંડોરને ચેમ્બરમાંથી ઝડપી લેવાયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
નરસિંહ પાંડોર - Divya Bhaskar
નરસિંહ પાંડોર
  • એસીબીની બે ટીમોએ એક સાથે વકીલની ઓફિસ અને જીએસટી અધિકારીની ઓફિસમાં છટકું પાર પાડ્યું હતું

વેસુના યાર્ન વેપારીનો જીએસટી નંબર ફરી ચાલુ કરાવવા અધિકારી પાંડોરે 1 લાખની લાંચ માંગી હતી. આ રકમ વેપારીએ વકીલને તેની ઓફિસમાં આપી હતી. વકીલે પાંડોરને કોલ કરી કહ્યું કે, તમારું પેકેટ આવી ગયું છે. પછી વકીલે વેપારીને અધિકારી સાથે વાત કરાવી હતી. જેમાં વેપારીએ પાંડોરને કહ્યું કે, હવે મારો નંબર જલદીથી ચાલુ કરાવી દો સાહેબ. ત્યાર બાદ વકીલે કર્મચારી વિનય મારફતે આ રકમ મોકલાવી હતી. જોકે, તે પહેલા એસીબીએ તેને પાર્કિગમાં જ પકડી પાડ્યો હતો. એસીબીની બીજી ટીમે બહુમાળીમાં જીએસટીની ઓફિસમાંથી પાંડોરને ઝડપ્યો હતો. એસીબીએ જણાવ્યું કે પાંડોરની ઓફિસમાંથી જરૂરી ડોક્યુમેન્ટ મેળવાશે. ઉપરાંત પાંડોરના હસ્તે કેટલા નંબરો ઇશ્યુ થયા તેની પણ તપાસ કરાશે.

કિશોરચંદ્ર પટેલ
કિશોરચંદ્ર પટેલ

વકીલની ઓફિસમાં પડેલી 1500 ફાઇલો અંગે ACBની તપાસ
જહાંગીરપુરા ભગવતીનગરમાં રહેતા વકીલ કિશોર પટેલ 1986થી ટેક્સ કન્સલ્ટન્ટ છે. તેમની ઓફિસમાં 1500 ફાઇલો હતી. જેમાંથી મોટેભાગની જીએસટી ઉપરાંત અન્ય ટેક્સની હતી. આ ફાઇલોની પણ એસીબી તપાસ કરશે. કિશોરની લાયઝનિંગમાં સારી પકડ હોવાનું કહેવાય છે. તે મૂળ હાંસોટના છે. તેના ઘરે સર્ચ કરાતા એસીબીને કશું મળ્યું ન હતું. વકીલની હાંસોટમાં મિલકત હોવાની વાત છે.

વકીલ કિશોર પટેલનું જહાંગીરપુરાનું ઘર.
વકીલ કિશોર પટેલનું જહાંગીરપુરાનું ઘર.

ડેપ્યુટી કલેકટર પત્ની સાથે હાલ પાંડોરનો સંબંંધ નથી
પાંડોરની પત્ની ગાંધીનગરમાં ડેપ્યુટી કલેકટર છે. જેણે છેલ્લા 10 વર્ષથી પાંડોર સાથે કોઈ સંબંધ ન હોવાનું એસીબીને કહ્યું છે. આ વાત સાચી છે કે કેમ તે અંગે એસીબી કોલ ડિટેઇલ્સ તપાશે તો હકીકત બહાર આવી શકે છે.

વકીલના બે કર્મચારીઓ વગર વાંકે ભેરવાઈ ગયા
ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલ છેલ્લા 4 વર્ષથી વકીલને ત્યાં નોકરી કરતા હતા. આ પૈકી એકને રૂપિયા ગણવા આપ્યા ને બીજાને પાંડોરને આપવા મોકલ્યો. તેમનો રોલ આટલો જ હોવા છતાં બંને ભેરવાઈ ગયા છે.

કોરોનામાં બંધ કરાયેલા 10 હજાર નંબરો ફરી ચાલુ કરવા કટકીનો ખેલ
જીએસટીમાં હાલમાં કોરોનામાં રદ થયેલા નંબરો ફરી શરૂ કરાવવા માટે કટકીના ખેલ થઈ રહ્યા છે. જીએસટીમાં જ્યાં એક તરફ નવા રજિસ્ટ્રેશનના કેસમાં 70 ટકાથી વધુ અરજી રદ કરી રહ્યા છે. ત્યાં રદ થયેલાં નંબર ફરી શરૂ કરવા અને રિફંડના કેસમાં કટકીનો મોટા સોદા થઈ રહ્યા છે. જાણકારો કહે છે કે નંબર રદ થયા બાદ વેપારીની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બ્લોક થઈ જાય છે. માલ વેચ્યો હોય તેમને પણ આ વેપારીના લીધે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. બોગસ બિલિંગનો કેસ હોય તો 200 ટકા પેનલ્ટી સાથે વ્યાજ પણ ભરવાનું હોય છે.

આ બધુ ક્લિયર કરે પછી નંબર મળે છે. પરંતુ અધિકારી ઇચ્છે તો પેનલ્ટી ઓછી કરી શકે અથવા દુર કરી શકે. એટલે કટકીનો ખેલ જામે છે. પાંડોરના કેસમાં પણ આ જ સ્થિતિ હતી. પેનલ્ટી અને વ્યાજ ઉપરાંત ટેક્સના ચક્કરમાં ફસાયેલાં વેપારીને રાહત આપવાની સામે લાંચની જાળ બિછાવાઈ હતી.