સુરતમાં ભાજપે ચોર્યાસી વિધાનસભા પર ઝંખના બેનની ટીકીટ કાપી સંદીપ દેસાઈને ટીકીટ આપી છે. જેને લઈને વિરોધ પણ સામે આવી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે જ્યાં કોળી પટેલોના મતદારોની સંખ્યા ખૂબ જ વધારે છે, અને આ તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ માનવામાં આવે છે.
સંદીપ દેસાઈના વિરોધમાં સૂત્રોચ્ચાર
ગુજરાત વિધાનસભાની ચુંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે. ત્યારે ભાજપે જાહેર કરેલી બીજી ઉમેદવારોની યાદીમાં ચોર્યાસી બેઠક પરથી સંદીપ દેસાઈનું નામ જાહેર કર્યું હતું. ભાજપ બે બેઠક છોડી તમામ બેઠક પર રિપીટ ફોર્મુલા અપનાવી હતી. પરંતુ ચોર્યાસી બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલની ટિકિટ કાપી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી. સંદીપ દેસાઈને ટિકિટ અપાતા આ મામલે વિરોધ પણ સામે આવી રહ્યો છે. નારાજ કાર્યકરો આ મામલે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આ મામલે ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી હતી અને તેઓએ વધુ કઈ કહેવાનું ટાળ્યું હતું.
શિસ્તના નામે મહિલા ધારાસભ્યની બલી
ભાજપમાં ચોર્યાસી બેઠક ઉપર ઝંખના પટેલને કોઈપણ કારણ વગર કાપવામાં આવી રહ્યા હોવાની વાતથી ભાજપમાં પણ હવે અસંતોષ જોવા મળી રહ્યો છે. વિશેષ કરીને ચોર્યાસી બેઠકના મતદારોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. એક જ ચાલે ઝંખના બેન જ ચાલે.. ના સૂત્રો લાગ્યા હતા. સંદીપ દેસાઈના ફોટા ઉપર ચોકડીનું નિશાન મારીને એકત્રિત થયેલા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ભાજપમાં ઘણી વખત એવી પણ ચર્ચા થતી હોય છે કે, શિસ્તના નામ પર મોવડી મંડળે લીધેલા નિર્ણયને પડકારવામાં આવતો નથી અને જો કોઈ પડકારવા જાય છે. તો તેની કારકિર્દી ખરાબ થઈ જાય છે માટે પોતાની રાજકીય કારકિર્દીને ચાલુ રાખવા માટે ભાજપમાં સીધી રીતે કોઈ અન્ય પક્ષોની જેમ વિરોધ નોંધાવા જતું નથી.
કાંઠા વિસ્તારનો રોષ ભાજપને ભારે પડી શકે છે
ઝંખના પટેલને લઈને હવે ધીરે ધીરે વધુ મામલો ગરમાાઈ રહ્યો છે. રાજા પટેલ કોળી પટેલ સમાજમાં અગ્રણી તરીકેની ભૂમિકા ભજવતા હતા. તેમના આ વિસ્તારમાં કરેલા કામોને કારણે તેમની દીકરી ઝંખના પટેલ પણ જ્યારે રાજકારણમાં આવી ત્યારે સ્થાનિક લોકોએ તેને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. તેના કારણે તે ભારે લીડથી જીતતી રહી છે. પરંતુ આ વખતે ભાજપમાં જ વ્હાલા દવલાની નીતિને કારણે ઝંખના પટેલનું પત્તું કાપવામાં આવી રહ્યું છે. જો આજ પ્રકારનો કાંઠા વિસ્તારમાં સતત મતદારોનો રોષ જોવા મળે તો ભારતીય જનતા પાર્ટીને તેનું નુકસાન પણ સહન કરવું પડે શકે છે.
કોઈ કોમેન્ટ ન કરી
સંદીપ દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઝંખના બેન અમારા માનનીય નેતા અને આગેવાન છે. એટલે બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી. હું આજે તેઓને મળવાનો પણ છું. તેમજ કોળી સમાજના આગેવાનોને મળીને બધા ભેગા મળીને ચુંટણીના કામે લાગવાના છીએ, જો કે આ મામલે તેઓએ બીજું કઈ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.
પહેલીવાર કોળી પટેલને ટિકિટ નહી
સ્થાનિક રહેવાસી દિપક પટેલે જણાવ્યું કે, 1975 થી આ બેઠક ઉપર કોળી પટેલ ઉમેદવાર રહ્યો છે. તે વિજય થયો છે. કોળી પટેલ મતદારો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને આ બેઠક ઉપરથી વિજય અપાવતા રહ્યા છે. આ વખતે કોળી પટેલને ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, ટિકિટ આપવામાં આવી નથી. ભાજપ આ બેઠક ઉપરથી કોળી પટેલને ટિકિટ ના આપીને કોળી પટેલનું નામ કાઢવાની માનસિકતા રાખી રહ્યું છે ભાજપ. ત્યારે અમે સ્પષ્ટ શબ્દોમાં ભાજપને કહીએ છીએ કે, અમે ભાજપનો નિકંદન કાઢી નાખીશું. ઉમેદવારનું નામ 24 કલાકની અંદર જો બદલવામાં ન આવે તો અમે ભાજપના એક પણ નેતાને અમારા વિસ્તારમાં પ્રવેશવા દઈશું નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.