ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયા બાદ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતનો દબદબો રાજ્ય સરકારમાં જોવા મળતો નહોતો. મંત્રી મંડળમાં અત્યાર સુધી સુરત અને દક્ષિણ ગુજરાત સાથે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું. પરંતુ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ ગુજરાતના મંત્રી મંડળમાં સુરતનો પ્રભાવ વધી રહ્યો છે. તેમાં પણ 2020 માં નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સુરતનું વજન એકદમ વધી ગયું હતું. સુરતને એક બે નહીં એક સાથે ચાર ચાર મંત્રીઓ અને દક્ષિણ ગુજરાતના બે મળી સાત મંત્રીઓને સ્થાન મળ્યું હતું. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સુરત- દક્ષિણ ગુજરાતના બે મંત્રી ઓછા છે. તેમ છતાં એક સાથે પાંચ મંત્રીઓ દક્ષિણ ગુજરાતને મળ્યા છે હોવાથી ગુજરાતના રાજકારણમાં સુરતનું મહત્વ ફરી એક વાર વધ્યું છે.બીજી તરફ ભાજપના પક્ષ પ્રમુખ પણ સુરતમાંથી હોવાથી સુરત રાજકીય રીતે પણ એપી સેન્ટર બની ગયું છે.
દક્ષિણ ગુજરાત સાથે સુરતને મજબૂત સ્થાન
ગુજરાત વિધાનસભા 2022ના ભાજપ માટેના દમદાર પરિણામ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મંત્રી મંડળ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. દાદાના મંત્રી મંડળમાં આ વખતે ફરી સુરતને મહત્વ આપવામાં આવ્યું છે. પારડીના ધારાસભ્ય કનુ દેસાઈને ફરી એક વાર કેબીનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે. જ્યારે ગુજરાત સરકારમાં હર્ષ સંઘવીને ફરી એક વાર મહત્વનું યથાવત રહ્યું છે. તો પ્રફુલ પાનસેરિયા અને ઓલપાડના મુકેશ પટેલને પણ મંત્રી પદ આપવામાં આવ્યું છે.
પાસ-આપના ફેક્ટર ન ચાલતાં મંત્રીપદ
સુરતની સૌથી વધુ ચર્ચાસ્પદ રહેલી કતારગામ બેઠક પર પર્વ શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા 65 હજાર કરતાં વધુ મતથી આપના પ્રદેશ પ્રમુખને હાર આપી હોવા છતાં મંત્રી મંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે તેમની જગ્યાએ સ્વચ્છ પ્રતિભા અને શાંત સ્વભાવના ગણાતા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા મુકેશ પટેલને ફરી એક વાર મંત્રી મંડળમાં સમાવેશ કરવામા આવ્યો છે. આ ઉપરાંત માંડવી બેઠકના કુંવરજી હળપતિને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
અગાઉ એકલદોકલને સ્થાન મળતું
જોકે, 2015 પહેલાં સુરતને ગુજરાતના મંત્રી મંડળમાં કોઈ ખાસ મહત્વ આપવામાં આવતું ન હતું. ગુજરાતમાં ભાજપની સરકાર 1995થી સતત આવી રહી છે અને તેમાં પણ સુરત ભાજપનો ગઢ બની ગયો છે. તેમ છતાં 2017 સુધી સુરતને મંત્રી મંડળમાં અન્યાય થતો હોવાની ફરિયાદ થતી હતી. 1995થી 2020 સુધી સુરતમાં માત્ર પાંચ જ મંત્રી મંત્રી બની ચુક્યા છે અત્યાર સુધીમાં ગુજરાતના મંત્રી મંડળમાં હેમંત ચપટવાલા, નરોત્તમ પટેલ, નાનુ વાનાણી, રણજીત ગીલીટવાલા અને કુમાર કાનાણીનો સમાવેશ થાય છે. આ પહેલાં 1975થી 1992 સુધી કોંગ્રેસની સરકાર હતી તેમાં પોપટલાલ વ્યાસ, બાબુ સોપારીવાલા, મહમંદ સુરતી અને ઠાકોર નાયક નો સમાવેશ થતો હતો.
1975થી 1992 દરમિયાન બિન ભાજપી સરકારમાં મંત્રી મંડળમાં સુરતને મળેલું સ્થાન
મંત્રીનું નામ | વિભાગ | વર્ષ |
પોપટલાલ વ્યાસ | ગૃહમંત્રી | 1975 |
બાબુભાઈ સોપારીવાલા | શહેરી વિકાસ | 1985 |
મહંમદ સુરતી | મત્સ્ય ઉદ્યોગ | 1990 |
ઠાકોર નાયક | સહકાર મંત્રાલય | 1990 |
ભગુ પટેલ (વિમલ) | વન પર્યાવરણ | 1990 |
1995થી ભાજપની સરકારમાં સુરતનું મંત્રી મંડળમાં સ્થાન
મંત્રીનું નામ | વિભાગ | વર્ષ |
હેમંત ચપટવાલા | કાયદામંત્રી | 1995 |
નરોત્તમ પટેલ | પાણી પુરવઠા મંત્રી | 1995 |
રણજીત ગીલીટવાલા | વાહન વ્યવહાર | 2005 |
નાનુ વાનાણી | શિક્ષણ મંત્રી | 2012 |
કુમાર કાનાણી | આરોગ્ય મંત્રી | 2017 |
ભુપેન્દ્ર પટેલની સરકારમાં વજન વધ્યું
ભાજપે વિજય રૃપાણી સરકારને બદલી નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરી ત્યાર બાદ ગુજરાતના સરકારમાં સુરતની ભાગીદારી વધી ગઈ છે. ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં સુરતના પુર્ણેશ મોદી, હર્ષ સંઘવી, મુકેશ પટેલ અને વિનોદ મોરડીયાનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત જીતુ ચૌધરી અને નરેશ પટેલ મળી દક્ષિણ ગુજરાતના સાત મંત્રીઓનો સમાવેશ થતો હતો.ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં 17 મંત્રીઓમાં પણ સુરતના ત્રણ અને દક્ષિણ ગુજરાતના બે મળીને કુલ પાંચ મંત્રીઓનો દબદબો યથાવત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.