શહેરના કનુભાઈ પટેલને બ્રેનડેડ જાહેર કરાયા બાદ તેમના અંગોના દાન થકી બન્ને હાથ મેળવનાર મહારાષ્ટ્રની મહિલાનું જીવન બદલાઈ ગયું છે. આ મહિલાએ ડોનેટ લાઈફની ટીમ સમક્ષ પોતાની ખુશી વ્યકત કરી કહ્યું કે, હવે હું મારા બાળકોની સંભાળ લઈ શકીશ અને વ્હાલ કરી શકીશ.
મોટા વરાછાની સ્નેહમુદ્રા સોસાયટીમાં રહેતા અને ભાવનગરના ગારીયાધારના વતની કનુભાઈ વશરામભાઈ પટેલને 18 જાન્યુ.એ લકવાનો હુમલો થતા કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને બ્રેનડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેમના કિડની, લિવર અને બન્ને હાથોનું દાન કરાયું હતું. તેમના બન્ને હાથોનું બુલધાનાની 35 વર્ષીય મહિલામાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
3 વર્ષ પહેલા કપડા સુકવતી વખતે વીજ કંરટ લાગતા બન્ને હાથ કપાઈ ગયા હતા. પતિ કરીયાણાની દુકાનમાં કામ કરતા હતા અને ત્રણ નાના નાના બાળકોની સંભાળ ન લઈ શકતી મહિલામાં કનુભાઈના હાથોનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
વિડીયો કોલ પર બાળકો કહે કે, મમ્મી તારા હાથ બતાવ
ડોનેટ લાઈફની ટીમે મુંબઈ જઈ મહિલાની મુલાકાત લીધી ત્યારે મહિલાએ કહ્યું કે, ત્રણ વર્ષ પહેલા હાથ ગુમાવ્યા ત્યારે બાળકો નાના હતા.હું તેઓની સંભાળ લઈ શકતી ન હોવાના કારણે દુઃખી હતી. ટ્રાન્સપ્લાન્ટ પછી હું ખુબ જ ખુશ છુ. મને મારૂ સર્વસ્વ મળી ગયું. હવે હું મારા બાળકોની સંભાળ લઈ સારી રીતે તેઓનો ઉછેર કરી શકીશ. વ્હાલ કરી શકીશ.પ્રેમ કરી શકીશ. ગામમાં રહેતા બાળકો સાથે હું વિડીઓ કોલ પર વાત કરૂ ત્યારે તેઓ મને કહે કે, મમ્મી તારા હાથ બતાવ, મારા હાથ જોઈ તેઓ ખુબ જ ખુશ થાય છે. કનુભાઈનો પરિવાર મારા જીવનમાં ભગવાન બનીને આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.