• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Two Days After The First Omicron Case Was Reported In The Country, The First Case In Gujarat Was Reported In Jamnagar, Much Faster Than The Delta Variant

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી:દેશમાં પહેલો કેસ નોંધાયાના બે દિવસમાં ગુજરાતમાં પહેલો કેસ જામનગરમાં નોંધાયો, આ ઝડપ ડેલ્ટા વેરિયન્ટ કરતા ખૂબ જ વધુ

સુરત2 મહિનો પહેલા
  • માર્ચ 2021થી ડેલ્ટા વેરિયન્ટના કારણે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ
  • ગુજરાતમાં ઓમિક્રોનનો કેસ નોંધાતા સાવચેતી ન રાખે તો ત્રીજી લહેર આવવાની શક્યતા

ભારતમાં પહેલીવાર કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના બે કેસ 2 ડિસેમ્બરના રોજ કર્ણાટકમાં નોંધાયા હતા. દરમિયાન આજે ઓમિક્રોન વેરિયન્ટનો ગુજરાતમાં પહેલો કેસ જામનગરમાં નોંધાયો છે. ભારતમાં કોરાનાનો પહેલો કેસ નોંધાયા બાદ ગુજરાત પહોંચવાની ઝડપ ખૂબ જ ઓછી હતી. જ્યારે ડેલ્ટા વેરિયન્ટમાં તેની ઝડપમાં વધારો થયો હતો. જ્યારે ગત રોજ ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાયો છે તે દેશમાં કેસ નોંધાયાના માત્ર બે દિવસમાં જ ગુજરાતમાં એન્ટ્રી લઈ ચૂક્યો છે.

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી બીજી લહેર આવી
કોરોના વાઈરસના અલગ અલગ રૂપના કારણે આરોગ્ય વિભાગ પણ મૂંઝવણમાં રહ્યો હતો. પહેલાં કોરોના બાદ તેમાં ફેરફાર થઈને વધુ ઘાતકરૂપ ધારણ કરી લીધું હતું. કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ઓક્ટોબર 2020માં ભારતમાંથી મળી આવ્યો હતો. ભારતમાં ડેલ્ટા વેરિયન્ટના કારણે કોરોનાની બીજી લહેર વધુ ઘાતક રહી હતી. બીજી લહેરમાં મોટા પ્રમાણમાં લોકોના મોત થયા હતા. કોરોનાની શરૂઆતમાં જ્યાં એક પણ મોત નોંધાયું ન હતું. ત્યાં સ્મશાનમાં અંતિમવિધિ માટે લાઈનો લગાવી દીધી હતી. હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા ઓછી પડી હતી.

ડેલ્ટા વેરિયન્ટથી ગુજરાતમાં બીજી લહેરની શરૂઆત સુરતથી થઈ હતી
B.1.617.2 ડેલ્ટા ફોર્મ ભારતમાં ઓક્ટોબર 2020માં પ્રથમ વખત મળી આવ્યો હતો. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, ભારતનો ડેલ્ટા વેરિયન્ટ 80 જેટલા દેશમાં પ્રસરી ગયો હતો. અલગ-અલગ દેશોમાં તેની વિપરિત અસર પણ પહોંચી હતી. આ સાથે દેશમાં પણ ખૂબ જ ઘાતક સર જોવા મળી હતી. ભારતમાં ઓક્ટોબર 2020માં ડેલ્ટા વેરિયન્ટની પુષ્ટી બાદ ગુજરાતમાં માર્ચ મહિનામાં ગુજરાતના સુરતમાં કેસનો વધારો થયો હતો. માર્ચ મહિનામાં 100થી વધુ કેસ નોંધાવાનું શરૂ થઈ ગયું હતું.

વિદેશથી ભારતમાં આવેલા લોકોમાં ઓમિક્રોન દેખાયો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર અત્યાર સુધી વિશ્વનાં 24 રાષ્ટ્રોમાં કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનની હાજરી નોંધાઈ છે. હાઇલી મ્યુટેડ વેરિયન્ટ ઓમિક્રોને સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં દેખા દીધી હતી. ભારત, ઘાના, સાઉદી અરેબિયા તથા યુએઈ એવા નવા દેશો છે, જ્યાં આ વેરિયન્ટ પહોંચી ગયો છે. આ ઉપરાંત યુકે, યુએસ અને જર્મની જેવા દેશોમાં પણ આ વેરિયન્ટની હાજરી નોંધાઈ છે. ભારતમાં વિદેશથી આવેલા લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થતા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા વૃદ્ધ ઓમિક્રોન સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં વિદેશથી આવતા લોકોને 7 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં વિદેશથી આવતા લોકોને 7 દિવસ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

ડેલ્ટા વેરિયન્ટને ગુજરાત પહોંચતા 4 મહિના થયા
ભારતમાં કોરોનાના પહેલા કેસ બાદ ગુજરાત સુધી પહોંચવામાં દોઢ મહિના જેટલો સમય લાગ્યો હતો. જ્યારે ભારતમાં મ્યુટેશન થયેલો કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ ગુજરાત સુધી પહોંચવામાં 4 મહિના જેટલો સમય લાગ્યો હતો. ડેલ્ટા વેરિયન્ટના કારણે કેસમાં વધારો અને મૃતકોમાં પણ વધારો થયો હતો. હવે ઓમિક્રોન વેરિયન્ટે દેશમાં આવ્યાના બે દિવસમાં દસ્તક દેતા ગુજરાત રાજ્યમાં સાવચેતી રાખવી જરૂરી બની છે.

બીજી લહેરમાં સ્મશાનોમાં મૃતદેહોની લાઈનો લાગી હતી.
બીજી લહેરમાં સ્મશાનોમાં મૃતદેહોની લાઈનો લાગી હતી.

ડેલ્ટા વેરિયન્ટના કારણે માર્ચ 2021થી 3 મહિના ખૂબ જ ઘાતક રહ્યા
ભારતમાં કોરોનાના કેસની શરૂઆત જાન્યુઆરી 2020માં થઈ હતી. ત્યારબાદ ધીમેધીમે કેસમાં વધારો થયો હતો. ગુજરાતમાં પહેલો કેસ વિદેશથી આવેલા બે વ્યક્તિમાં 19 માર્ચ 2020ના રોજ સુરત અને રાજકોટમાં સામે આવ્યો હતો. ત્યારબાદ દેશમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. દરમિયાન કેસ કાબૂમાં રહ્યા બાદ લોકડાઉન ખોલતા ધીમેધીમે કેસમાં વધારો થયો હતો. ડેલ્ટા વેરિયન્ટના કારણે ગુજરાતના સુરતમાંથી બીજી લહેરથી શરૂઆત માર્ચ 2021થી થઈ હોવાની શક્યતા સેવવામાં આવી હતી. ગુજરાતમાં માર્ચ-એપ્રિલ-મે મહિનામાં સૌથી વધુ કેસ સુરત અને અમદાવાદમાં જોવા મળ્યા હતા. આ સાથે મોતનો આંકડો પણ ખૂબ જ મોટો હતો.

વિદેશથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
વિદેશથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં હાલ કોરોનાના 205 એક્ટિવ કેસ
ભારતમાં કોરોનાની એન્ટ્રીના બે વર્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં દેશમાં 3.42 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 4.58 લાખ લોકોના કોરોનાથી મોતને ભેટ્યા છે અને 3.36 કરોડ લોકો રિકવર થયા છે. હાલ પણ ભારતમાં રોજ 12 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેથી ભારતમાં હાલ 1.52 લાખ એક્ટિવ કેસ છે. આ સાથે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.26 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 10 હજારથી વધુ લોકો મોતને ભેટ્યા છે અને 8.16 લાખ લોકો રિકવર થયા છે. હાલ ગુજરાતમાં 205 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...