વૃદ્ધનું પટકાતા મોત:બાંદ્રા ટ્રેન ઉપડી ગયા બાદ દોડીને બેસવા જતા વૃદ્ધનું પટકાતા મોત

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલીના આધેડને માથામાં ગંભીર ઇજા, હેમરેજ થયું
  • વૃદ્ધ નાસ્તો લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા અને ટ્રેન શરૂ થઈ ગઈ

સુરતથી બાંદ્રા ટ્રેન મારફતે જતા એક વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચઢવા જતા નીચે પટકાયા હતા, માથામાં ગંભીર ઇજા થવાથી હેમરેજ થયું હતું. સારવાર માટે તેઓને સ્મીમેર હોસ્પિટલ લઇ જવામાં આવતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ડુંગરગામ, બારડોલીમાં રહેતા દિલીપભાઇ જવેરભાઇ રાઠોડ (ઉ.વ.62) સુરત રેલવે સ્ટેશનથી જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં બાંદ્રા જઇ રહ્યા હતા. સુરત રેલવે સ્ટેશને પાંચ મિનિટ ટ્રેન ઊભી રહેતા દિલીપભાઇ નીચે નાસ્તો લેવા માટે ઉતર્યા હતા, તે દરમિયાન જ ટ્રેન શરૂ થઇ ગઇ હતી. નાસ્તો લઇને દિલીપભાઇ દોડતા દોડતા ટ્રેનમાં ચઢવા ગયા હતા પરંતુ પગ લપસતા તેઓ નીચે પડી ગયા હતા. આ અકસ્માતને લઇને ત્યાં હાજર લોકો તેમજ આરપીએફનો સ્ટાફ આવી પહોંચ્યો હતો.

દિલીપભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલીક સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ દિલીપભાઇને હેમરેજ થયા બાદ મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. દિલીપભાઇએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોવાથી તેમના પરિવારનો પણ સંપર્ક થઇ શક્યો હતો અને દિલીપભાઇની ડેડબોડીને તેમના પરિવારને સોંપવામાં આવી હતી. બનાવ અંગે સુરત જીપીઆરએફની ટીમે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

ગત ડિસે.માં યાત્રી ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ફસાયો હતો
ગત 24 ડિસેમ્બરે સુરત રેલવે સ્ટેશન પર એક મુસાફર ચાલુ ટ્રેનમાં ચડવા જતા પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પટકાઈને ફસાઈ ગયો હતો. બીજી તરફ ત્યાં ફરજ બજાવી રહેલા આરપીએફ કર્મી અને લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ટ્રેન ઉભી રહી જતા મુસાફરનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...