વ્યારામાં રિક્ષામાંથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સિવિલના સર્જરી વોર્ડમાં સારવાર દરમિયાન બુધવારે બપોરે 12 વાગ્યે મોત થયું હતું. જો કે, તેમનો મૃતદેહ 6 કલાક સુધી વોર્ડમાં જ પડી રહ્યો હતો. માત્ર એટલું જ નહીં, દર્દીનું મોત થયું હોવાની જાણ પણ પોલીસને 6 કલાકે કરાઈ હતી. જેને પગલે દર્દીના પરિવારજનોને રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો.
વ્યારાના કાપડવાંક ગામે રહેતા રતનજી ગામીત (60) 9મીએ આહવા રોડ રિક્ષામાં જતા હતા ત્યારે હાથ છુટી જતાં તેઓ નીચે પટકાયા હતા. જેથી ગંભીર રીતે ઘવાયા બાદ તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં એફ-૨ વોર્ડમાં સર્જરી વિભાગમાં દાખલ કરાયા હતા. બુધવારે તેમનું મોત નિપજ્યું તેની જાણ પોલીસને 6 કલાક સુધી કરી ન હતી કે લાશ પીએમ રૂમમાં મોકલાઈ ન હતી.
દાખલ કરતી વેળા નામ ખોટું લખાયું હોવાનું બહાનું
મૃતક રતનજીના ભાઈ જગુભાઈએ જણાવ્યું કે સવારે 9 વાગ્યે જ મોત નિપજ્યું હતું. પરિવારે આ બાબતે રજૂઆત પણ કરી હતી, પરંતુ તબીબો ઓપરેશન થિયેટરમાં હોવાથી કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો ત્યાર બાદ બપોરે 12 વાગ્યે મોત નિપજ્યું હોવાનું કન્ફર્મ કર્યું હતું. દાખલ કરતી વખતે ઉતાવળમાં રતીલાલ નામ લખાવી દેવાયું હોવાથી તે સુધારવા માટે કહ્યું હતું. જેના કારણે સમય લાગ્યો હોવાની તબીબોએ દલીલ કરી હતી.
આવી કોઈ ઘટના મારી સામે આવી નથી, છતાં તપાસ કરાઉં છું
આ પ્રકારની ઘટના હજી સુધી મારા ધ્યાન પર આવી નથી. છતાં આ બાબતે હું તપાસ કરાવી લઉં છું. > સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.